- કોરોનાને કારણે લોકો વિટામીન-સી થી ભરપૂર ફળો તરફ વળ્યા
- અગાઉ માત્ર 100થી 200 જેટલા બોક્સ પ્રતિદિન આવક થતી હતી
- હાલમાં પ્રતિદિન 2000થી 3000 બોક્સની થઈ રહી છે આવક
જૂનાગઢ: કોરોના કાળમાં સંતરા અને નારંગીની માગમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેના પગલે જૂનાગઢ યાર્ડમાં પ્રતિદિન ૩ હજાર જેટલા બોક્સની આવક થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં આટલા બોક્સની આવક જૂનાગઢમાં ક્યારેય જોવા મળતી ન હતી, પરંતુ જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં તબીબો પણ નારંગી અને સંતરા તેમજ વિટામીન સી યુક્ત ફળોને આરોગવાની સલાહ આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સંતરા, નારંગી અને મોસંબીની માગ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે
આ વર્ષે કેરીની જગ્યાએ નારંગીઓ અને સંતરા જોવા મળી રહ્યા છે
અગાઉના વર્ષોમાં આ સમય દરમ્યાન જૂનાગઢમાં પ્રતિદિન 100થી 200 સંતરા, નારંગી અને મોસંબીના બોક્સની આવક જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે જે પ્રકારે સંતરા, નારંગી અને મોસંબીનું ચલણ ખૂબ જ વધી ગયું છે. જેના કારણે પ્રતિદિન 200 બોક્સની જગ્યા પર 3 હજાર બોક્સ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખૂટી પડે છે. સતત વધતી માગને પગલે આગામી દિવસોમાં હજુ પણ સંતરા અને નારંગીની આવક વધી શકે છે. જેના માટે એપ્રિલ-મે મહિનાના સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય દિવસોમાં કેરીની પુષ્કળ આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે બિલકુલ વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કેરીની જગ્યાએ મોસંબી, સંતરા અને નારંગીની માગ વધતા તેની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે