- ગિરનાર રોપ-વે ને પ્રથમ વાર રોકવાની ફરજ પડી
- ગિરનાર પર્વત પર ઝડપી પવન ફૂંકાવાને કારણે રોપ-વે બંધ કરવો પડ્યો
- સવારના સમયે 1 કલાક સુધી રોપ-વે કરાયો બંધ
જૂનાગઢઃ ગિરનાર રોપ-વે શરૂ થયાને 25 દિવસ બાદ શુક્રવારે તેને રોકવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત પર વહેલી સવારના સમયે 60 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે સવારના સમયે રોપ-વેને એક કલાક માટે રોકી દેવાની ફરજ રોપ વે ના સંચાલક ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓને અને ઇજનેરોને પડી હતી.
યાત્રિકોની સુરક્ષાને લઈ રોકવાની ફરજ પડી
શિયાળાના સમયમાં ગિરનાર પર્વત પર પવનનું પ્રમાણ સવિશેષ હોય છે, ત્યારે પવનની ગતિ ખૂબ વધી જતા યાત્રિકોની સાથે રોપ-વેની સુરક્ષા સામે કોઈ પ્રશ્નો ઊભા ન થાય તેને ધ્યાને રાખીને રોપ-વેને સવારના નવ કલાક સુધી તમામ પ્રવાસીઓ માટે રોકી દેવામાં આવ્યો હતો. સંભવિત અકસ્માતોની કોઈ પણ પરિસ્થિતિ પર પહોંચી વળવા માટે રોપ-વેના ઇજનેરોએ જે પગલું લીધું છે તે ખૂબ જ આવકારદાયક છે.
શિયાળામાં હજુ પણ બંધ રાખવાની ફરજ પડી શકે છે
શિયાળા દરમિયાન પવનની ગતિને કારણે રોપ-વે નું સંચાલન કરવું કેટલાક દિવસો માટે મુશ્કેલીભર્યું બની રહેશે. સતત પવનને કારણે ગિરનારનું સંચાલન અને તેમાં યાત્રિકોને લઈને અંબાજી મંદિર સુધી પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહેશે. આજે જે પ્રકારે એક કલાક માટે રોપ-વેની થંભાવી દેવાની ફરજ પડી હતી. ત્યારે આગામી શિયાળાના દિવસોમાં પણ હજુ કેટલાક દિવસો દરમિયાન ગિરનાર પર્વત પર અને ખાસ કરીને રોપ-વે નું અપર સ્ટેશન છે, ત્યા પવન ખૂબ જ તીવ્ર ગતિએ ફૂંકાવાની શક્યતા છે.
રોપ-વે ને એક કલાક માટે થંભાવી દેવાનો નિર્ણય આવકારદાયક
આ જ પ્રકારની ફરજ આગામી શિયાળા દરમિયાન હજુ પણ પડી શકે છે. યાત્રિકો અને રોપ-વે ની સુરક્ષાને લઇને કોઇપણ પ્રકારનો ખતરો ઉપસ્થિત ન થાય તે માટે ઈજનેરોએ રોપ-વે ને એક કલાક માટે થંભાવી દેવાનો નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક છે અને આવનારા શિયાળાના દિવસોમાં પણ હજુ આ પ્રકારનો નિર્ણય ભારે પવનને કારણે આવવાની શક્યતાઓને આપણે નકારી શકાય તેમ નથી.