- જૂનાગઢ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદનું આગમન
- પહેલા વરસાદમાં લોકોએ પલળીને ચોમાસાનું કર્યું સ્વાગત
- પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
જૂનાગઢ: શહેરમાં આજે શુક્રવારે ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદનું આગમન થયું હતું. સવારના 10:00થી લઇને સાંજના પાંચ વાગ્યા સુધી જૂનાગઢ શહેર અને તાલુકામાં અંદાજિત બેથી લઈને અઢી ઇંચ જેટલો ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદને માણવા માટે લોકો પણ જોવા મળતા હતા. બાળકો પણ પોતાની જાતને પ્રથમ વરસાદમાં ભીંજાતા રોકી શક્યા ન હતા. તો બીજી તરફ ચોમાસાના પ્રથમ વરસાદે જૂનાગઢની પ્રકૃતિને પણ નવપલ્લિત કરી નાખી હોય તેવો દૃશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ ભાવિકો પણ દામોદર કુંડમાં પ્રથમ વરસાદના પાણીમાં સ્નાન કરીને પોતાની જાતને ધાર્મિક રીતે તરોતાજા પણ કરતા જોવા મળતા હતા.
આ પણ વાંચો : Earthquake news : કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના આંચકાઓથી લોકો ભયભીત
પ્રથમ વરસાદે જ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
આજે શુક્રવારે અચાનક પડેલા વરસાદને કારણે શહેરના તળાવ દરવાજા રોડ જયશ્રી રોડ, કાળવા ચોક, ચિતાખાના ચોક અને એસટી ડેપો વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો જોવા મળ્યો હતો. જે જૂનાગઢ મનપાના પ્રિમોન્સુન કામગીરીની પણ પોલ ખોલી રહ્યો હતો, પરંતુ વરસાદ બંધ થતાં જ ભરાયેલું પાણી ધીમે ધીમે ભૂગર્ભ ગટર મારફતે માર્ગ પરથી દૂર થયું હતું. આજે ચોમાસાનો પ્રથમ વરસાદ જૂનાગઢ શહેર અને તાલુકામાં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
પ્રથમ વરસાદ પડતાં જ પ્રકૃતિ પણ બની નવપલ્લિત
જૂનાગઢ શહેરમાં આજે ચોમાસાના પ્રથમ વરસાદે પ્રકૃતિને જાણે કે નવપલ્લિત કરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ગિરનાર અને દાતાર પર્વત પર પ્રકૃતિ ધીમે ધીમે વરસાદી પાણીથી સોળ શણગાર સજી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ દાતાર અને ગિરનાર પર્વત પર વરસાદી પાણીના ધોધ પણ અલગ પ્રાકૃતિક સૌંદર્યનો માહોલ ઉભો કરી રહ્યા હતા. ગિરનાર અને દાતાર પર્વત પરથી પડી રહેલા વરસાદી પાણીના ધોધ પણ પ્રકૃતિ પ્રેમીઓને ગિરનાર તરફ ખેંચી રહ્યા હતા. જેને કારણે લોકો રોપ-વેમાં બેસીને પણ પ્રકૃતિની મજા માણીને આજે ચોમાસાના પ્રથમ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.