જૂનાગઢઃ આગામી 17મી ઓક્ટોબરથી ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડ ખાતે મોરારીબાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને કથાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ કાળને લઈને શ્રોતા વગરની મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી આ છઠ્ઠી રામકથા હશે, જેને લઇને પણ લોકોમાં ભારે આસ્થા જોવા મળી રહી છે. કથાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 17મી તારીખે પ્રથમ નોરતે રામકથાનું શ્રવણ ભાવિકો ઘરે બેઠા ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકશે.
કોરોના કાળમાં મોરારીબાપુ દ્વારા તુલસીશ્યામ નજીક પર્વત પર ગુજરાતની પ્રથમ કથા કરી હતી. ત્યાર બાદ હવે જૂનાગઢના ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે રામકથાનું આયોજન કરાઇ રહ્યું છે. આ અગાઉ મોરારીબાપુ દ્વારા કૈલાસ માન સરોવર, નીલગીરી પર્વત, અમરનાથ બદરી અને કેદારનાથ તેમજ ગંગોત્રી જેવા અતિ દુર્ગમ સ્થળોમાં પણ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે પ્રથમ વખત રામકથાનુ આયોજન થવા જઈ રહ્યું છે. જેને લઇને શ્રોતાઓમાં પણ ભારે ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.