- શિયાળાનું ઉત્તમ સોરઠી ખાણું એટલે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો
- જૂનાગઢના ભવનાથમાં 3 વર્ષથી 'ઓળાવાળા બાપા' સ્વાદરસિકોમાં છે પ્રિય
- નાના-મોટા દરેક માટે છે આરોગ્યપ્રદ
જૂનાગઢ: સોરઠના દેશી પકવાન તરીકે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા દરેકની પસંદ છે. શિયાળા દરમિયાન અમીર હોય કે ગરીબ, પ્રત્યેક ઘરમાં રીંગણનો ઓળો અને બાજરીનો રોટલાનું ભોજન અચૂક બનતું હોય છે. રીંગણ ઉપરાંત શિયાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં લીલુ લસણ, ડુંગળી, મરચાં, ટામેટા, કોથમીર મળી રહે છે, અને આ લીલો મસાલો રીંગણના ઓળાને દેશી સ્વાદ આપવા માટે પૂરતો છે.
ભવનાથ વિસ્તારના 'ઓળાવાળા બાપા' રીંગણનો ઓળાને આપે છે આગવો સ્વાદ
સામાન્ય રીતે રીંગણનો ઓળો દરેક જગ્યા પર બનતો હોય છે પરંતુ તેને બનાવવા માટે વપરાતી અલગ અલગ પદ્ધતિઓ તેને પોતાની એક આગવી ઓળખ અપાવે છે.
સોરઠીઓ તેમના પ્રિય રીંગણના ભડથાને શ્રેષ્ઠ સ્વાદ આપવા માટે જાણીતા છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ભવનાથ વિસ્તારમાં 'ઓળાવાળા બાપા' તરીકે રીંગણનો ઓળો બનાવતા રમેશભાઇના હાથના ઓળાનો સ્વાદ ચાખવા જૂનાગઢ ઉપરાંત બહારથી પણ યાત્રિકો આવે છે.
જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ આ સોરઠી અસલી દેશી ખાણાની ડિમાન્ડ પણ વધતી જોવા મળશે.
આયુર્વેદમાં રીંગણને શિયાળાનું વસાણું તરીકે ઓળખવામાં આવે છે
આયુર્વેદમાં રીંગણને વંતુક તરીકે પણ ઓળખવામાં આવે છે. રીંગણની તાસીર ગરમ હોવાને કારણે શિયાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પડતી ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પ્રત્યેક વ્યક્તિ તેના ભોજનમાં રીંગણનો ઉપયોગ કરતો હોય છે.
ખાસ કરીને સોરઠ વિસ્તારમાં શિયાળા દરમિયાન રીંગણ ખાવાની વિશેષ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જેમાં રીંગણના ઓળાને શિયાળા દરમિયાન પ્રત્યેક સ્વાદપ્રેમી પ્રાધાન્ય આપે છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું, જે શિયાળામાં છે આરોગ્યવર્ધક