- માંગરોળના કેટલાક સિંહ માધવપુરમાં નવું રહેણાંક બનાવે તેવી શક્યતા
- ગત એક વર્ષથી આ વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યા છે
- વન વિભાગનું નામવું છે કે, સિંહ માધવપુરમાં નવું રહેણાંક બનાવી શકે છે
જૂનાગઢ: આગામી વર્ષોમાં ગીરના સાવજ પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના વિસ્તારમાં જોવા મળી શકે છે. ગત એક વર્ષથી માધવપુર વિસ્તારમાં સમયાંતરે સિંહની હાજરી જોવા મળી રહી છે. ત્યારે બે દિવસ અગાઉ માધવપુર વિસ્તારમાં એક સિંહણ અને તેના બે પુખ્ત બચ્ચાએ શિકારની મોજ માણી હતી. ગત એક વર્ષથી આ વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યા છે ત્યારે વનવિભાગ પણ એવું માની રહ્યું છે કે, જો સિંહ પરિવારને આ વિસ્તાર અનુકૂળ જણાશે તો આગામી વર્ષોમાં માધવપુરમાં પણ સિંહ જોવા મળશે.
ગીરના સિંહ માધવપુર વિસ્તારમાં જોવા મળ્યા
ગીરના સિંહ હવે પોરબંદર જિલ્લાના માધવપુર વિસ્તારમાં જોવા મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે. ગત દિવસોમાં માંગરોળ પંથકમાંથી એક સિંહણ અને તેના બે પુખ્ત બચ્ચા માધુપુર નજીક પહોંચી ગયેલા જોવા મળ્યા હતા. અહીં તેમણે એક શિકાર કરીને ભોજનની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. ત્યારે સિંહના માધુપુર પહોંચવા અંગે વન વિભાગના મુખ્ય પ્રાણી સંરક્ષક ડો. વસાવડાએ પણ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક વર્ષમાં બીજી વખત સિંહ જોવા મળ્યા છે. જેને લઇને વન વિભાગના અધિકારીઓમાં પણ ખુશી જોવા મળી છે.
વન વિભાગનું નામવું છે કે, સિંહ માધવપુરમાં નવું રહેણાંક બનાવી શકે છે
સમગ્ર ઘટનાને લઈને વન વિભાગના મુખ્ય વન્ય સંરક્ષક ડોક્ટર વસાવડાએ સિંહની આ પ્રકારની વર્તણૂકને બિલકુલ સામાન્ય ગણાવી હતી. સિંહ પરિવારમાં આ પ્રકારના ફેરફાર સમયાંતરે જોવા મળતા હોય છે. સિંહ પરિવાર એક વિસ્તારમાં સતત રહ્યા બાદ આસપાસના વિસ્તારને પોતાનું નવું રહેઠાણ બનાવવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. જેના ભાગરૂપે આ સિંહ માંગરોળથી લઈને માધવપુર સુધી પહોંચી ગયા હશે. માધવપુરમાં વર્ષમાં બીજી વખત સિંહ જોવા મળી રહ્યા છે. તેને લઈને વનવિભાગના અધિકારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. જો આગામી સમયમાં વધુ કેટલીક વખત સિંહ આ વિસ્તારમાં જોવા મળે તો એવું ચોક્કસ તારણ મળી શકે કે, ગીરના સિંહો માધવપુર પંથકમાં પોતાનું નવું રહેઠાણ બનાવવા માટે આગળ વધી રહ્યા છે.
ગીર પૂર્વના કેટલાક વિસ્તારો સિંહના નવા નિવાસસ્થાન તરીકે જાણીતા બન્યા
ગીર પૂર્વમાં સિંહો ધારી અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષોથી જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક વર્ષોથી ગીરના સિંહ પ્રથમ બૃહદગીર એવા લીલીયા અને ક્રાંકચ વિસ્તારમાં જોવા મળતા હતા. ત્યાંથી આ સિંહો હવે છેક ભાવનગર સુધી જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સિંહોની વર્તણૂક સામાન્ય માનવામાં આવે છે. કેટલાંક વર્ષો બાદ સિંહો પોતાના રહેઠાણ વિસ્તારને સતત વધારવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. આમ કરવા પાછળનું કારણ ખોરાકની શક્યતાઓમાં વધારો તેમજ સિંહોની સંખ્યા વધી રહી છે, તે મુજબ તેમને રહેઠાણનો કોઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેને લઈને સિંહો આ પ્રકારની વર્તણૂક વર્ષોથી કરતા આવ્યા છે.