- આજે 221મી જલારામ જયંતિની ઉજવણી કરાઇ
- જલારામ જયંતી નિમિત્તે અન્નકૂટનું વિશેષ આયોજન કરાયું
- કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સાવચેતી અને તકેદારી સાથે ઉજવણી કરાઇ
જૂનાગઢ: આજે સંત શિરોમણી જલારામ બાપાની 221મી જન્મજયંતી ઊજવવામાં આવી રહી છે, 'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો'ના સાદ દેનારા સંત જલારામને આજે તેમની 221મી જન્મજયંતી પ્રસંગે ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં આવેલા જલારામ મંદિરમાં વહેલી સવારથી જ જય જલિયાણના નાદ સાથે ભક્તોએ જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, તેમજ આજે 221મી જન્મજયંતીના પ્રસંગે વિશેષ અન્નકૂટનું પણ આયોજન કરાયું હતું, જેના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
કોરોના સંક્રમણના કારણે સાવચેતી અને તકેદારી સાથે દર્શનનો લાભ
ગત વર્ષે જલારામ જયંતીની ભાવભેર ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે લાખોની સંખ્યામાં જૂનાગઢમાં જલારામ ભક્તોએ હાજર રહીને જલારામ બાપાના દર્શન કરીને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી સાથે જલારામ જયંતિની ઉજવણી કરાઇ રહી છે. આજે તમામ જાહેર કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. માત્ર દર્શન પૂરતી જલારામ જયંતીની સાદાઈથી ઉજવણી થઈ રહી છે, આજે સાંજે 7:00 વાગ્યે જન્મજયંતી પ્રસંગે મહાઆરતી બાદ વિધિવત રીતે જલારામ જયંતીની ઉજવણીને સમાપન તરફ આગળ લઈ જવામાં આવશે.