- મુખ્યપ્રધાને રૂપાણીની જૂનાગઢ મુલાકાત પૂર્ણ થયાને 24 કલાક બાદ શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો
- મુખ્યપ્રધાને ગઈકાલે બુધવારે રસીથી લઈને તમામ મેડીકલ સહાય પૂરતા પ્રમાણમાં છે તેવો દાવો કર્યો હતો
- આજે ગુરૂવારે સિનિયર સિટીઝન બીજો ડોઝ લેવા આવતા લોકો રસી લીધા વગર પરત ફર્યા
- મુખ્યપ્રધાન રૂપાણીની જુનાગઢ મુલાકાતના 24 કલાકની અંદર શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો
જૂનાગઢઃ ગઈકાલે મુખ્ય પ્રધાન રૂપાણીએ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જાણવા તેમજ તમામ વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા માટે આરોગ્ય સચિવ સાથે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ દાવો કર્યો હતો કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં રસીકરણથી લઈને તમામ વ્યવસ્થાઓ ખુબ જ સરળતાથી અને સુચારુ રૂપથી આગળ ચાલી રહી છે ત્યારે આજે ગુરૂવારે મુખ્યપ્રધાન રૂપાણીની જૂનાગઢ મુલાકાતને 24 કલાક પૂર્ણ નથી થયા ત્યાં શહેરના રસીકરણ કેન્દ્રો પર રસી ખૂટી પડી છે. રસી મૂકાવવા આવતા સિનિયર સિટીઝન રસી લીધા વગર પરત ફર્યા હતા.
![શહેરના રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી ખૂટી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-vaccine-vis-01-byte-02-pkg-exclusive-7200745_06052021163421_0605f_1620299061_626.png)
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડતા લોકો પરેશાન
શહેરના રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી ખૂટી
મુખ્યપ્રધાન રૂપાણીના દાવાની પોલ જૂનાગઢના રસીકરણ કેન્દ્રો ખોલી રહ્યા છે. રસીકરણને કોરોના સંક્રમણ સામે સૌથી પહેલા ઉપાય તરીકે વર્ણવ્યો હતો. આજે ગુરૂવારે 24 કલાક પછી શહેરના રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી ખૂટી પડી હતી. રસી ખુટવાનું કારણ યોગ્ય હોઈ શકે છે પરંતુ સરકારનું આયોજન એટલી હદે અવ્યવસ્થા ફેલાવી શકશે તેને લઈને સિનિયર સિટીઝનો પણ ચિંતાગ્રસ્ત ચહેરે રસી લીધા વગર પરત ફર્યા હતા. કેટલાક વ્યક્તિઓ આજે ગુરૂવારે રસીનો બીજો ડોઝ લેવા માટે પણ આવ્યા હતા તબીબોની સલાહ મુજબ રસીના બીજા ડોઝ વચ્ચે કેટલોક સમય રાખવો જરૂરી છે. આવા સમયે રસી ખૂટી પડતા બીજો ડોઝ લેવા માટે આવતા પ્રત્યેક વ્યક્તિઓ ચિંતાગ્રસ્ત બન્યા છે એટલા માટે કે કોરોના સામે રક્ષણ આપતી રસીના બન્ને ડોઝ સમયસર મળે તોજ રસી કારગર છે, જે તે વ્યક્તિને કોરોના સંક્રમણ સામે રક્ષણ આપે છે. આવા સમયે રસી ખૂટી જવી ખૂબ ચિંતાનો વિષય બની શકે છે.
![મુખ્યપ્રધાન રૂપાણીની જુનાગઢ મુલાકાતના 24 કલાકની અંદર શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-vaccine-vis-01-byte-02-pkg-exclusive-7200745_06052021163421_0605f_1620299061_223.jpg)
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી જતા લોકોમાં નારાજગી
મનપાના આરોગ્ય અધિકારીએ રસી ખૂટી પડવાને લઈને આપ્યું નિવેદન
સમગ્ર મામલાને લઈને ETV Bharatના સંવાદદાતાએ જૂનાગઢ મનપાના આરોગ્ય અધિકારી ડો. રવિનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રસીની અછત સમગ્ર પણે વર્તાઈ રહી છે, રાજ્ય સરકાર દ્વારા અમને રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે તે મુજબ રસીકરણ કેન્દ્રને રસીના યુનિટ આપવામાં આવી રહ્યા છે. હવે જ્યારે રસીની સપ્લાય રાજ્યના આરોગ્ય વિભાગમાંથી જ મંદ પડી રહી છે, જેને લઇને જૂનાગઢની જરૂરિયાત કરતા માત્ર 30થી 40 ટકા જ રસી સમગ્ર જિલ્લામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં રસીનો જથ્થો પૂર્વવત રાખવો નામુનકીન જોવા મળી રહ્યું છે. તેમના દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને રસીનો જથ્થો પૂર્વવત થતાની સાથે જ તમામ રસીકરણ કેન્દ્ર ફરીથી એક વખત ધમધમતા જોવા મળશે. આજે ગુરૂવારે જે અગવડતા પડી રહી છે તે રસીનો જથ્થો પૂરતો મળી રહ્યો નથી તેને કારણે થઈ રહી છે.