- જૂનાગઢ જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરાઈ
- ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોએ ખરીદી પ્રક્રિયામાં દર્શાવ્યો નિરુત્સાહ
- 52 હજારથી વધુ ખેડૂતોએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જોકે આ વર્ષે ખેડૂતોને આ પ્રક્રિયા ગળે ન ઉતરી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 52 હજાર કરતા વધારે ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી જે પૈકીના માત્ર 13 હજાર ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે વેંચણી કરી હતી. આંકડાઓ બતાવે છે કે, સરકારનો ટેકાનો ભાવ ખેડૂતોને ગળે ઉતરતો હોય તેવું લાગી રહ્યું નથી.
1050 રૂપિયા પ્રતિ મણનો ભાવ નક્કી કર્યો હતો
વર્ષ 2020માં સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકારે 1050ના નિર્ધારિત કરેલા બજારભાવે પ્રતિ 20 કિલો ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની યોજના ગળે ન ઉતરતી હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વેચાણ પ્રક્રિયા ચાલી રહી હતી. તે આજે વિધિવત રીતે પૂર્ણ થયેલી જોવા મળે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
![જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-peenut-vis-01-byte-01-pkg-7200745_21012021161048_2101f_02118_478.jpg)
સરકારી ખરીદ પ્રક્રિયામાંથી ખેડૂતોએ દર્શાવી ઉદાસીનતા
સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં 52719 જેટલા ખેડૂતોએ મગફળી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકીના 13683 જેટલા ખેડૂતો જ સરકારને ટેકાના ભાવે મગફળીની વેંચણી કરવા માટે આવ્યા હતા. ગત વર્ષના આંકડા જોઈએ તો ગત વર્ષે 68 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 28 હજાર જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચવા આવ્યા હતા. જેથી કહી શકાય કે, દર વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાંથી ખેડૂતો અંતર બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
![જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-peenut-vis-01-byte-01-pkg-7200745_21012021161048_2101f_02118_423.jpg)
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખુલ્લી બજારમાં મગફળીના બજાર ભાવ ટેકાના ભાવ વધુ જોવા મળતા હતા. જેને કારણે ખેડૂતો ખુલ્લી બજાર તરફ આકર્ષાયા છે અને તેમની મગફળી ખુલ્લી બજારમાં વેચી રહ્યા છે. ખુલ્લી બજાર તરફ આકર્ષવાનું બીજું કારણ એ છે કે, સરકારને મગફળી વેંચ્યા બાદ 90 દિવસ સુધીમાં ખેડૂતોને મગફળીના રૂપિયા મળતા હોય છે. જ્યારે ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ કરતાં ખેડૂતને 24 કલાકની અંદર રૂપિયા મળી જતા હોય છે જેને કારણે ખેડૂતો ખુલ્લી બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે.