- ભાવ વધારાને કારણે જૂનાગઢની મહિલાઓમાં જોવા મળ્યો આક્રોશ
- પાછલા 13 દિવસમાં સિલિન્ડરમાં જોવા મળ્યો 100 રૂપિયાનો વધારો
- સતત વધી રહેલા રાંધણગેસના ભાવોને લઇને જૂનાગઢની મહિલાઓમાં આક્રોશ
જૂનાગઢઃ પાછલા કેટલાક સમયથી મોંઘવારી જાણે કે કૂદકેને ભૂસકે વધી રહી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ બાદ હવે રાંધણ ગેસના ભાવોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, પાછલા 13 દિવસમાં ઘરેલુ વપરાશના પ્રતિ સિલિન્ડર દીઠ 100 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે.
ગત ત્રીજી તારીખે 50 રૂપિયા વધ્યા બાદ મંગળવારના રોજ ફરી એકવાર રાંધણગેસના સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ જોતા રાંધણગેસનો સિલીન્ડર હવે 700 રૂપિયાને પાર કરી ગયો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ રહ્યું છે અને તે જ કેન્દ્ર સરકાર સામે આક્રોશનું કારણ પણ બની રહ્યું છે
મોંઘવારી પર અંકુશ લાવે તેવી મહિલાઓની માંગ
વર્ષ 2014થી લઈને 2020 સુધીના 6 વર્ષમાં જોઇએ તો રાંધણગેસના પ્રતિ સિલિન્ડર દીઠ 250 રૂપિયા કરતા વધુનો વધારો જોવા મળ્યો છે, વર્ષ 2014માં રાંધણ ગેસનું સિલિન્ડર 410 રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો. જે આજે 700 રૂપિયાને પાર થયો છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સિલિન્ડરમાં થઈ રહેલા સતત ભાવ વધારાને કારણે ગરીબ અને ખાસ કરીને મજૂર વર્ગની મહિલાઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એક તરફ આવકના સંસાધનો દિવસેને દિવસે મર્યાદિત થતા જાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને કારણે મહિલાઓની મુશ્કેલીઓ ઘટવાને બદલે સતત વધી રહી છે.