- સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક ફરી એકવાર મોકૂફ
- સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખને લઈને આ બેઠકમાં કોઈ નિર્ણયની હતી શક્યતાઓ
જૂનાગઢઃ આજે (બુધવાર) સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં સ્વર્ગસ્થ પ્રમુખ કેશુભાઈ પટેલની જગ્યા પર નવા પ્રમુખની જાહેરાતને લઇને કોઇ નિર્ણયની પણ શક્યાતાઓ હતી. જે બેઠક હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કેશુભાઈ પટેલનું અવસાન થતાં સોમનાથ ટ્રસ્ટની પ્રમુખ પદ ખાલી જોવા મળતું હતું, ત્યારે આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ લઈને ટ્રસ્ટના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી. આ પહેલા સોમવારે પણ આ બેઠક કોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી.
આજે યોજાવાની હતી સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક
આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા જઇ રહી હતી. જેમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણી સહિત તમામ ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં જોડાવાના હતા. આગામી સમયમાં આ બેઠક યોજાય શકે છે. આ બેઠકના એજન્ડાની વાત કરીએ તો આ બેઠક સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખની નિમણૂક તેમજ આગામી વર્ષોમાં સોમનાથ આવી રહેલા યાત્રિકોને સુવિધાઓ આપી શકાય તેવા વિકાસના કામોને લઈને ચર્ચાઓ કરવામાં આવી શકે છે. સંભવિત જે મુદ્દાઓ બેઠકમાં રજૂ થશે. તે તમામ મુદ્દાઓ મંજૂર થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે, ત્યારે વડા પ્રધાન મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાશે જે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, પરંતુ અનિવાર્ય કારણોસર આ બેઠક બુધવારે ફરીથી મોકૂફ થતાં કોઇ યોગ્ય નિર્ણયમાં વિલંબ થઇ રહ્યો છે.
સોમનાથ ટ્રસ્ટને કેશુભાઈ પટેલના પુરોગામી તરીકે નવા પ્રમુખ મળી શકે છે
આગામી સમયમાં યોજાવા જઈ રહેલી સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી કેશુભાઈ પટેલનું અવસાન થતા સોમનાથ ટ્રસ્ટના પ્રમુખનું પદ ખાલી જોવા મળ્યું હતું. જે આગામી બેઠકમા પદ ભરાશે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. કેશુભાઈ પટેલના પુરોગામી કોણ બનશે તેને લઈને પણ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હાલ ટ્રસ્ટી મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયેટિયા પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવે છે, પણ પરંપરા મુજબ સોમનાથ ટ્રસ્ટનું પ્રમુખ એક પણ પ્રકારના વિવાદ અને ચૂંટણી વગર સર્વાનુમતે થતું આવ્યું છે. આ પરંપરા આગળ પણ જળવાતી જોવા મળશે અને જે ટ્રસ્ટીની પ્રમુખ તરીકે સોમનાથ ટ્રસ્ટમાં નિમણુંક કરવામાં આવશે તે સર્વાનુમતે હશે તેવું આપણે ચોક્કસ કહી શકીએ.