- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આવતીકાલથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ
- જૂનાગઢની સરકારી કોલેજમાં પ્રત્યક્ષ શિક્ષણને લઈને તૈયારીઓ સંપૂર્ણ
- વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણના ભય વચ્ચે શિક્ષણ મેળવે તે માટેની કરાઈ વ્યવસ્થા
જૂનાગઢ : આવતીકાલે ગુરૂવારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 50 ટકાની ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવશે. છેલ્લા દોઢ વર્ષથી સતત પ્રસરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઘટી રહ્યું છે. જેના કારણે હવે આવતીકાલથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોમાં ૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યું છે.
પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયાના ત્રણ દિવસ બાદ યોજાશે પરીક્ષાઓ
19 જુલાઈથી ત્રીજા વર્ષની સ્નાતક પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જેના કારણે પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવશે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ફરી એક વખત 50 ટકાની ક્ષમતા સાથે કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવશે. ધોરણ 12નું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઇને પ્રથમ વર્ષમાં કોઈ પણ એડમિશન આપવામાં આવ્યું નથી. આ જ કારણે કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ હાલના તબક્કે ખૂબ જ મર્યાદિત જોવા મળી રહી છે. ત્યારે ૫૦ ટકાની ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવું કોલેજો માટે પણ અનુકૂળ બની રહેશે.