જૂનાગઢ: હાલ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉન છે, ત્યારે તમાકુનો વેપાર કરતાં વેપારીઓએ તેમના એકમોને ખુલ્લા રાખવાની માંગ કમિશ્નર સમક્ષ કરી હતી. જેને વ્યસનમુક્તિ સાથે સંકળાયેલા તબીબો દેશદ્રોહ સમાન માની રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં વેચાણ કરતાં વેપારીઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ તેમને પણ તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ગઈકાલે કરી હતી. જેને જૂનાગઢના તબીબો અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતાં ડૉક્ટર્સ બિલકુલ ગેર વ્યાજબી અને દેશદ્રોહ કરવા જેવી ઘટના ગણાવી રહ્યાં છે.
જૂનાગઢ શહેરમાં તમાકુ વેચાણ કરતા વેપારીઓએ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ એવો તર્ક રજૂ કર્યો હતો કે, જે વ્યક્તિઓ તમાકુ, બીડી, મસાલા સિગારેટ જેવા વ્યસનો ધરાવે છે, તેવા લોકો હવે આકુળ-વ્યાકુળ બનીને શહેરમાં ફરતાં જોવા મળે છે, ત્યારે આવા લોકોને તમાકુનું વ્યસન પૂરું કરવા માટે તેમને તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તો જે લોકો તમાકુની શોધમાં આકુળ-વ્યાકુળ થઈને ફરે છે તેવો ઘરની બહાર નીકળવાનું ટાળશે.
તમાકુનું વેચાણ કરતાં વેપારીઓનો આ તર્ક જૂનાગઢના તબીબો અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતા ડોક્ટર્સ બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી ગણાવી રહ્યાં છે.
તબીબો જણાવી રહ્યાં છે કે, 29 દિવસ દરમિયાન બિમારીના કિસ્સાઓમાં ખૂબ જ ઘટાડો થયો છે. એક પણ કિસ્સામાં તમાકુ બીડી સિગારેટ કે મસાલા નહીં મળવાને કારણે કોઈ પણ વ્યક્તિનું મોત નીપજ્યું હોય અથવા તો તે બીમાર પડયો હોય તેવા એક પણ કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા નથી. તમાકુના વેપારીઓનો આતંક બિલકુલ અયોગ્ય, રમૂજ ઉપજાવે તેવો ગેર વ્યાજબી છે.
વધુમાં તબીબો જણાવી રહ્યાં છે કે, જે પ્રકારે કોરોના વાઈરસ અમુક વિસ્તારોમાં હાહાકાર મચાવી રહ્યો છે, તેવા વિસ્તારોને આરોગ્ય વિભાગ હોટસ્પોટ તરીકે ગણીને ત્યાં ખૂબ જ સાવચેતી ભર્યું વર્તન કરી રહી છે, ત્યારે જો તમાકુ વહેચાણ કરવાની મંજૂરી પ્રશાસન તરફથી આપવામાં આવે તો દરેક તમાકુનું વેચાણ કેન્દ્ર અફવાઓનું હોટસ્પોટ બની રહેશે. તમાકુના વેપારીઓની આ માંગને પ્રશાસન ક્યારેય પણ નહીં સ્વીકારે અને અયોગ્ય માનીને રદ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.