જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે ચિંતાઓ વધી રહી છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની ટેસ્ટ કરવાની ઢીલી નીતિને કારણે હવે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારબાદ રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ જૂનાગઢ શહેરમાં અંતિમ તબક્કામાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. ભેસાણના તબીબ અને તેના સહાયકનો રીપોર્ટ પોઝિટિવ આવતા જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો, ત્યારથી લઈ આજદિન સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
શહેરમાં કોરોના સંક્રમણ હવે દિવસે ને દિવસે કાબુ બહાર બનતું જાય છે ત્યારે અત્યાર સુધીમાં શહેરમાં કુલ 507 અને જિલ્લામાં 363 મળીને કુલ 870 કોરોનાના કેસ સામે આવ્યા છે જે ચિંતાનો વિષય પણ બન્યો છે. દરરોજ સરેરાશ 20 કરતાં વધુ કેસ સામે આવતા હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટને લઈને જે ઉદાસીન વલણ દર્શાવવામાં આવી રહ્યું છે જે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે વધુ નુકસાન કારક માનવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા ટેસ્ટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અંદાજિત 25 હજારની આસપાસ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેને જૂનાગઢની વસ્તી સાથે ગણવામાં આવે તો તેની ટકાવારી માત્ર 1.65 ટકા જેટલી થાય છે જેને લઇને પણ હવે લોકોમાં ભારે ચિંતાની સાથે આરોગ્ય વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.