- રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે
- કૃષિ યુનિવર્સિટીની જગ્યામાંથી ચંદનના ઝાડ કાપવા ને લઈને આપ્યું નિવેદન
- પૂર અતિવૃષ્ટિગ્રસ્ત જૂનાગઢ જિલ્લા માટે હવે પછી કોઈ રાહત પેકેજ જાહેર નહીં થાય તેવી કરી જાહેરાત
જૂનાગઢઃ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે ભવનાથ તળેટીમાં આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે થોડા દિવસ પહેલા ચંદનના 6 જેટલા ઝાડ કાપીને ચોરી થવાની ઘટના અંગે ચર્ચા કરી હતી. ચંદનના ઝાડ કાપીને ચોરી થવાની ઘટના અંગે રાઘવજી પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, ભવનાથ વિસ્તારમાં આવેલી અને કૃષિ યુનિવર્સિટી હસ્તકની લાલઢોરી જગ્યા વિશાળ છે. આવી પરિસ્થિતિમાં ચંદનની ચોરી કરનારા કોઈ સ્થળેથી આડસને કાપીને 6 જેટલા ઝાડને ચોરી કરવામાં સફળતા મેળવી છે, પરંતુ વન વિભાગ અને પોલીસ તેમ જ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ચોરીમાં સામેલ ચોરને પકડી પાડવા માટે સફળતા પણ મળશે.
જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકા માટે અતિવૃષ્ટિ રાહત પેકેજની નહીં થાય કોઈ વિશેષ જાહેરાત
પારિવારિક મુલાકાતે જૂનાગઢ આવેલા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત જૂનાગઢ જિલ્લા માટે રાહત પેકેજને લઈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢ જિલ્લાના અન્ય કોઈ પણ તાલુકામાં અતિવૃષ્ટિ રાહત પેકેજ કે સરવે કરવાની કોઈ વિચાર રાજ્યનો કૃષિ વિભાગ અને સરકાર કરી રહી નથી.
આ પણ વાંચો- ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ નુકશાની કરતા ઘણું ઓછું - કિસાન સંઘ
રાહત પેકેજ અંગે કૃષિ પ્રધાનનું નિવેદન
આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢ જિલ્લા માટે કોઈ વિશેષ રાહત પેકેજ કે સરવેની વાતને લઈને તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ જાહેર કરેલા કૃષિ પેકેજમાં કોઈ પણ પ્રકારની ફેરવિચારણા કે નવો સરવે તેમ જ રાહત જાહેર કરવાની દિશામાં વિચારતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જ્યારે રાહત પેકેજ જાહેર કર્યું ત્યારે જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે કૃષિ પ્રધાને રાજ્ય સરકારના કૃષિ વિભાગનો મત બિલકુલ સ્પષ્ટ કર્યું છે ત્યારે નવા કોઈ પણ ગામના ખેડૂતો કે વિસ્તારને કૃષિ રાહત પેકેજ મળવાની શક્યતા નહીવત જણાઈ રહી છે.