- 17મેથી 19મે વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે
- શુક્રવારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે
- ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાવાઝોડાનો ખતરો છે
જૂનાગઢઃ ગીર-સોમનાથ સહીતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં નવી આફત દસ્તક દઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 17મેથી 19મે વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ હજુ 36 કલાક સુધી પશ્ચિમ દરિયાઈ કિનારાના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા : રાહત કમિશ્નર
દરિયા કિનારાના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે
શુક્રવારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, તે બીજા દિવસે મજબુત બની ડિપ્રેશનમાં બદલાશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડું બની ત્રાટકી શકે છે. આ પલટાયેલા હવામાન વચ્ચે દરિયા કિનારાના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે
માછીમારોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે
બીજી તરફ માછીમારોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાવાઝોડાનો ખતરો છે. જેથી કોસ્ટ ગાર્ડે જહાજ અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને તાત્કાલિક તટીય વિસ્તારોમાં જવા સૂચના આપી દીધી છે
ગયા અઠવાડિયે પડેલા વરસાદે રવિ પાકને નુકસાન પહોંચાડ્યું છે
છેલ્લા એક પખવાડિયાથી જૂનાગઢ, ગીર-સોમનાથ સહીત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ, સાસણગીર સહીત ગીરગઢડા પંથકમાં ગયા અઠવાડિયે પડેલા વરસાદે રવિ પાકને નુકસાન પહોંચાડ્યું છે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આ માહોલ યથાવત છે. ત્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે આગાહી કરી ચિંતામાં વધારો કર્યો છે.
કેરળ આસપાસના અરબી સમુદ્રમાં આગામી 14 મેના રોજ લો પ્રેશર ઉદ્ભવશે
યુનિવર્સિટીના ગ્રામીણ હવામાન વિભાગ દ્વારા કરાયેલી સંભાવના મુજબ કેરળ આસપાસના અરબી સમુદ્રમાં આગામી 14 મેના રોજ લો પ્રેશર ઉદ્ભવશે. જે બીજા દિવસે ડિપ્રેશનમાં બદલાઈ થઇ જશે, આ ડીપ્રેશનના પરિણામે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી 17થી 19 દરમિયાન વાવાઝોડું ફૂકાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, 48 કલાક સુધીમાં ગુજરાતના દરિયા કિનારે લો પ્રેશરની અસર
વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહીના પગલે વધુ એક વખત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં થોડી ચિંતા ઉભી થઇ છે. વાવાઝોડાની સાથે-સાથે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.