- ભવનાથ વિસ્તારમાં બ્રહ્મ સમાજે મંજૂરી વગર સ્થાપિત કરી પરશુરામની પૂર્ણ કદની પ્રતિમા
- જૂનાગઢ મનપા તંત્રે પ્રતિમાને દૂર કરવા બ્રહ્મ સમાજને આપી નોટિસ
- બ્રહ્મ સમાજે ભૂલ સ્વીકારીને મનપા તંત્રના નિર્દેશ મુજબ આગળ વધવાની આપી ખાતરી
જૂનાગઢ: ભવનાથ વિસ્તારમાં સોનાપુર સામે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરી છે. આ મામલે હવે બ્રહ્મ સમાજ અને જૂનાગઢ મનપા તંત્ર સામસામે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ મનપા તંત્ર દ્વારા બ્રહ્મ સમાજના પ્રમુખને પ્રતિમા મંજુરી સાથે મૂકવામાં આવી છે કે કેમ તે અંગેના પુરાવાઓ રજૂ કરવાની નોટિસ પાઠવી છે. જો પુરાવાઓ મનપા તંત્રને બ્રહ્મ સમાજ દ્વારા નહીં પહોંચાડવામાં આવતા ત્રણ દિવસની મુદતને અંતે આ પ્રતિમા બ્રહ્મ સમાજે અન્યત્ર ખસેડવી પડશે, અન્યથા જૂનાગઢ મનપા તંત્ર પ્રતિમાને ખસેડવાને લઈને કામગીરી હાથ પર ધરશે. જેમાં થયેલ તમામ ખર્ચ બ્રહ્મ સમાજે ચૂકવવો પડશે તેવી નોટીસ શુક્રવારે સમાજના પ્રમુખને મનપા તંત્રએ પાઠવી છે.
બ્રહ્મ સમાજ આગામી દિવસોમાં પ્રતિમા અન્યત્ર ખસેડવાને લઈને લેશે નિર્ણય
સમગ્ર મામલાને લઈને Etv Bharat એ બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષ ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓએ આ પ્રતિમા મૂકતા પહેલાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી. તેમની આ શરત ચૂક થઈ છે. તે બદલ તેઓ દિલગીરી પણ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હવે જ્યારે પ્રતિમા સ્થાપિત થઇ ચુકી છે, આવી પરિસ્થિતિમાં જૂનાગઢ મનપા તંત્ર અને બ્રહ્મ સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. જેમાં જે કંઈ પણ નિર્ણય આવે તે મુજબ કામ કરવાની તૈયારી બ્રહ્મ સમાજે દાખવી છે. આગામી દિવસોમાં જૂનાગઢ મનપા તંત્ર અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક બાદ જે નિરાકરણ રૂપે નિર્ણય લેવામાં આવશે, તે મુજબ પરશુરામની પ્રતિમાને અન્યત્ર ખસેડવી કે આ જગ્યા પર રાખવી તેને લઇને કોઇ અંતિમ નિર્ણય થશે.
![પરશુરામની પ્રતિમાને મનપાએ આપી અન્યત્ર ખસેડવાની નોટિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-pratima-vis-01-av-7200745_03092021130447_0309f_1630654487_652.jpg)