જૂનાગઢઃ રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે જૂનાગઢ શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં ત્રીજી આંખ સમા CCTV કેમેરા દ્વારા સતત બાજ-નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા અનુદાનમાંથી 247 જેટલા CCTV કેમેરા શહેરના વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે. જેની મદદથી સમગ્ર જૂનાગઢ શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં થતી કોઈ પણ સંભવિત શંકાસ્પદ હિલચાલને પકડી પાડવા માટે આ ત્રીજી આંખ સમાન CCTV કેમેરા મદદરૂપ બની રહ્યા છે.
ગત ફેબ્રુઆરી માસમાં શહેરને CCTV કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના તમામ પ્રવેશદ્વાર તેમજ સંવેદનશીલ માનવામાં આવતા વિસ્તારોમાં વ્યાપારીક ગતિવિધિઓ માટે સોની બજાર, આંગડિયા પેઢી, નાણાકીય લેવડ-દેવડ કરતી બેન્કો, હીરા બજારની સાથે શહેરના ગાંધીચોક, આઝાદ ચોક, સરદાર ચોક, મોતીબાગ સહિતના મુખ્ય રસ્તાઓ અને શહેરમાં આવેલી હાર્દ સમી મુખ્ય બજારોમાં ત્રીજી આંખ દ્વારા સતત અને 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.
CCTV કેમેરા લાગવાથી આગામી દિવસોમાં શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવામાં પણ ચોક્કસ મદદ મળશે. આ ઉપરાંત અપરાધ કરીને ફરાર થતા ગુનેગારોને પકડી પાડવા માટે પણ આ ત્રીજી આંખ સમાન CCTV કેમેરા જૂનાગઢ પોલીસને મદદગાર સાબિત થશે.