- જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
- દિલ્હીમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતોએ આપ્યું ભારત બંધનું એલાન
- જૂનાગઢના કેટલાક વિસ્તારો બંધ તો કેટલાક વિસ્તારોમાં ખુલ્લા
જૂનાગઢઃ દિલ્હીમાં ગત 15 દિવસથી નવા કૃષિ સંશોધન કાયદાને લઈને પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના કેટલાક ખેડૂતો આંદોલન પર ઊતરી ગયા છે. જેના દ્વારા આજે મંગળવારે ભારત બંધનુ એલાન આપ્યું હતું. જેને જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક વિસ્તારો બંધને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં વ્યાપારિક સંકુલો બપોરના 12 કલાક બાદ ધીમે ધીમે ખુલતા જોવા મળી રહ્યા છે. જે વિસ્તારમાં વ્યાપારિક સંકુલો બંધ જોવા મળી રહ્યા છે, ત્યાં લોકોની અવરજવર સ્પષ્ટ જોવા મળી રહી છે. જે વ્યાપારિક સંકુલો ખુલી રહ્યા છે, ત્યાં ગ્રાહકોની ગેરહાજરી વચ્ચે ધીમે ધીમે બજાર બપોરના 12 કલાક બાદ ખુલતા જોવા મળી રહ્યા છે.
બપોર સુધી દુકાનો બંધ
ભારત બંધની જૂનાગઢ જિલ્લાના, જુનાગઢ, વિસાવદર, મેંદરડા અને ભેસાણ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે, તો જૂનાગઢ શહેર અને કેશોદ, માંગરોળ, માણાવદર સહિતના તાલુકા અને ગામડાઓમાં કેટલીક જગ્યા પર મિશ્ર તો કેટલીક જગ્યા પર સજ્જડ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. બપોરના 12 કલાક સુધી સામાન્ય દિવસોની જેમ બજારો ખુલ્લી જોવા મળી નહોતી, પરંતુ કેટલીક જગ્યા પર 12 કલાક બાદ બજારો ખુલ્લી રહી છે.