- ગિરનાર રોપ-વેના વધેલા ટિકિટ દરને લઈને જૂનાગઢમાં વિરોધ
- ધારાસભ્યની હાજરીમાં સર્કિટ હાઉસ ખાતે અગ્રણીઓની બેઠક
- બેઠકમાં ટિકિટના દરને ઘટાડવા માટે રજૂઆતો બાદ આંદોલન કરવાનો નિર્ણય
જૂનાગઢઃ ગત ૨૪મી ઓક્ટોબરે એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું હતું, ત્યારે પ્રથમ દિવસથી જ રોપ-વેના તોતિંગ ટિકિટના દરને લઈને લોકોમાં પણ ચણભણાટ જોવા મળતો હતો. જે હવે વ્યાપક અને ખૂલ્લી રીતે સામે આવતો જોવા મળી રહ્યો છે. ગુરુવારે જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીની હાજરીમાં સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, જૂનાગઢના અગ્રણી લોકોએ સાથે મળીને તોતિંગ ભાવવધારો ઉષા બ્રેકો કંપની દ્વારા નિર્ધારીત કરાયો છે, તેને પરત લેવડાવવા સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
ટિકિટના દરો મધ્યમ અને ગરીબ વર્ગને પરવડે તે પ્રકારે રાખવાની માગ
ગિરનાર રોપ-વેના પ્રારંભિક ટિકિટના દર 800 રૂપિયા રાખવાની ઉષા બ્રેકો કંપનીએ નિર્ણય કર્યો છે. ત્યારબાદ વિરોધ બનતા આ ભાવ હંગામી ધોરણે નવેમ્બર મહિના સુધી 500 રૂપિયા રાખવાની વાત કરવામાં આવી રહી છે. આમ છતાં વિરોધ સતત જોવા મળતા ઉષા બ્રેકો કંપની દ્વારા જૂનાગઢના સ્થાનિક નાગરિકોને આગામી 30 નવેમ્બર સુધી પ્રતિ વ્યક્તિ 400 રૂપિયાના દર નક્કી કરવામાં આવ્યા છે.
ટિકિટના દર ઘટાડવા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ મેદાનમાં
ગિરનાર રોપ-વે ના ટિકિટના દર ઘટાળવા માટે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને સાંસદ રાજેશ ચુડાસમા એ પણ ટિકિટના દર નીચા લાવવા માટે અનેક રજૂઆતો કરી છે જાહેર સ્થળ પરથી પણ ટિકિટના દર વધુ હોવાનું અનેક વખત રાજકીય આગેવાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે પરંતુ ગિરનાર રોપ-વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના દર ઘટાડવા ને લઈને કોઈ કાયમી નિર્ણય કરવામાં આવ્યો છે તેવી હૈયાધારણા રોપ વેનુ સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા હજુ સુધી રાજકીય અગ્રણીઓ સહીત જૂનાગઢના નાગરિકોને પણ આપવામાં નિષ્ફળ રહી છે.
ટિકિટના દર ઘટાળવા માટે દિવાળી બાદ જૂનાગઢમાં આંદોલનની શક્યતા
ટિકિટના દરને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકથી લઈને જૂનાગઢના સાંસદ પણ ટિકિટના દરને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આમ છતાં હજુ સુધી ટિકિટના દર ઘટાડવાને લઈને કોઈ આખરી નિર્ણય કરવામાં આવ્યો નથી. આવી પરિસ્થિતિમાં ગુરુવારની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, જો ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની આગામી દિવસોમાં ટિકિટના દર ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તે પ્રકારના નક્કી નહીં કરે તો જૂનાગઢના સામાજિક અગ્રણીઓ જૂનાગઢમાંથી ગિરનાર રોપ-વેના સંચાલકો સામે આંદોલનનો માર્ગ પણ અપનાવશે.