- ગોલા પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન કરતાં સાધુસંતો
- ભવનાથમાં મહાશિવરાત્રિના ધાર્મિક ઉત્સવને કરાયો સંપન્ન
- સ્મશાનની રાખમાંથી બનાવાતાં ગોલાના પૂજનનું છે વિશેષ ધાર્મિક મહત્વ
જૂનાગઢઃ પાછલા પાંચ દિવસથી ભવનાથની ગિરિતળેટી જીવ અને શિવમય બનતી જોવા મળી હતી. રવિવાર અને 7 તારીખના દિવસે ભવનાથ મહાદેવ પર ધર્મ ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રિના પાંચ દિવસના ધાર્મિક ઉત્સવની શુભ શરુઆત થઇ હતી. ગત ગુરુવારના દિવસે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ સંન્યાસીઓ દ્વારા ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં સ્નાનવિધિ સંપન્ન કર્યા બાદ પાંચ દિવસનો ધાર્મિક ઉત્સવ સંપૂર્ણ જાહેર થયો હતો. ત્યાર બાદ આદિઅનાદિ કાળથી ગોલા પૂજનની ધાર્મિક વિધિ હાથ ધરવામાં આવે છે. ત્યાર બાદ મહાશિવરાત્રિના ધાર્મિક ઉત્સવોને વિધિવત રીતે સંપન્ન જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ શિવે ધારણ કરેલા આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ
સ્મશાનની રાખમાંથી ગોલાનું નિર્માણ થાય છે જેનું સંન્યાસીઓ વિધિવત રીતે પૂજન કરે છે
મહાશિવરાત્રિના શાહી સ્નાન બાદ ગોલાનું રાખમાંથી નિર્માણ કરવામાં આવે છે. આપણી પ્રાચીન પરંપરા મુજબ ભગવાન શિવનું સ્થાન સ્મશાનમાં બતાવવામાં આવ્યું છે. ભગવાન ભોળાનાથ સ્મશાનની રાખને પોતાના શરીર પર ધારણ કરી તેને ભભૂતિરુપે ધારણ કરે છે તેવું દર્શાવાય છે. જે નાગા સંન્યાસીઓની વિશેષ પરંપરા પણ છે. મહાશિવરાત્રિનું શાહી સ્નાન સંપન્ન થયા બાદ રાખમાંથી સાધુ સંન્યાસીઓ દ્વારા ગોલાનું નિર્માણ કરવામાં આવે છે અને તેને લઈને અખાડાના સાધુસંતો ભવનાથના તમામ ધાર્મિક સ્થાનોમાં ફરીને તેમની પૂજન વિધિ હાથ ધરે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢનાં મૃગીકૂંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની થઈ પૂર્ણાહુતિ
ગોલાને ભેટ અર્પણ કરવામાં આવે છે જે ધાર્મિક સ્થાનોના વિકાસ માટે વાપરવામાં આવેે છે
સંન્યાસીઓ દ્વારા ગોલાને ભવનાથ પરિસરના વિવિધ ધાર્મિક સ્થાનો, અખાડાઓ, મઠ, મંદિરો અને હિન્દુ ધર્મની ધાર્મિક જગ્યાઓમાં પૂજન વિધિ માટે લઈ જવામાં આવે છે. જ્યાં ગોલાનું ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ મંદિર કે ધાર્મિક જગ્યાના મહંત કે સંન્યાસીઓ દ્વારા ગોલાને શક્તિ મુજબ ભેટપૂજા અર્પણ કરવામાં આવે છે. એકત્ર થયેલી ભેટપૂજા ભવનાથ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનો, અખાડાઓ અને હિંદુ મંદિરોના ઉત્થાન માટે અનામત રાખવામાં આવે છે અને કેટલીક ભેટપૂજા સાધુસંતો તેમજ નાગા સંન્યાસીઓને દાનના રુપમાં અર્પણ કરી આપવામાં આવે છે.