- ગિરનાર રોપ-વે ગિરનાર પર્વત પર પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ
- જાહેર શૌચાલય, પીવાનું પાણી તેમજ પ્રવાસી બેસી શકે તેવી વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ
- રોપ-વેના અપર સ્ટેશન પર પણ જાહેર શૌચાલય જેવી વ્યવસ્થાનો અભાવ
જૂનાગઢઃ શહેરનું નામ હવે એશિયામાં ચમકી રહ્યું છે. ગીરના સિંહોની ડણક જૂનાગઢને બહુમાન અપાવી રહ્યું હતું, ત્યારે વધુ એક નજરાણું ગિરનાર રોપ-વે એશિયાના લાંબા રોપ-વેમાં સમાવેશ થતાં જૂનાગઢ ફરી એક વખત વિશ્વના નકશા પર જોવા મળી રહ્યું છે. રોપ-વે શરૂ થતાં જૂનાગઢ પ્રવાસીઓની પહેલી પસંદનું માધ્યમ બની રહેશે. પરંતુ રોપ-વેના અપર સ્ટેશન અને અંબાજી મંદિરની આસપાસ જાહેર શૌચાલય, પીવાનું પાણી અને અહીં આવતા પ્રવાસી નિરાંતે બેસી શકે તેવી પાયાની જરૂરિયાતોનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
ગિરનાર રોપ-વે બનાવવા અંદાજે 110 કરોડનો ખર્ચ કરાયો
ગિરનાર રોપ-વે પાછળ અંદાજે 110 કરોડ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વ સ્તરીય કહી શકાય તેવા રોપ-વેનું નિર્માણ થઇ ચૂક્યું છે, પરંતુ ગિરનાર પર્વત પર રોપ-વેના અપર સ્ટેશનમાં પબ્લિક અને જાહેર શૌચાલય તેમજ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા 1 કલાકમાં 800 જેટલા પ્રવાસીઓને અંબાજી મંદિર સુધી પહોંચાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં એકત્રીત થતા યાત્રાળુઓ માટે સામાન્ય કહી શકાય તેવી પીવાના પાણીની વ્યવસ્થા પણ હજૂ સુધી જોવા મળતી નથી.
2000 પ્રવાસી સમાવવાની પણ વ્યવસ્થા નહીં
ઉષા બ્રેકો કંપની દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, તે મુજબ પ્રવાસીની સંખ્યા અંગે વિચાર કરીએ તો સવારના 8 કલાકથી સાંજના 5 કલાક સુધી અંદાજે 5000 જેટલા પ્રવાસી રોપ-વેનો પ્રવાસ કરીને અંબાજી પર્વત સુધી પહોંચી શકશે. પરંતુ અહીં એક સાથે 2000 જેટલા પ્રવાસીઓને પણ સમાવી શકાય તેવી કોઈપણ પ્રકારની વ્યવસ્થા હજૂ સુધી જોવા મળી નથી.