જૂનાગઢઃ શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સંજય નગરમાં દારૂની રેડ પાડવા ગયેલા પોલીસને 32 લાખથી વધુની રોકડ રકમ હાથ લાગી હતી. પોલીસે મોટી રકમ મળતા આઇટી વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલિસીને મળેલી પૂર્વ બાતમીને આધારે C-ડીવીજન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સંજય નગરમાં કુખ્યાત દારૂના વેપારીને ઘરે ગેરકાયદેસર દારૂની તપાસ કરી રહી હતી, ત્યાં ઘરમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી 32 લાખથી પણ વધુની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂના બુટલેગરો દ્વારા ગેર કાયદેસર દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમી પોલીસને મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ગત 5મી જૂને શકમંદ આરોપી પાસેથી 45 પેટી દારૂ ઝડપાયો હતો. જેને લઈ ગુરૂવારે ગાંધીગ્રામ વિસ્તારના સંજય નગરમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં શકમંદ આરોપીના ઘરમાં તપાસ કરતા ઘરની અંદર બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી પોલીસને 32 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ રેડ દરમિયાન ઘરમાં હાજર રહેલા એક આધેડ રોકડને લઈ કોઈ સંતોષકારક જવાબ ના આપી સકતા પોલીસ દ્વારા તમામ રોકડ રકમ કબ્જે કરી સમગ્ર મામલાની જાણ આઇટી વિભાગને કરી વધુ તપાસ હાથ ધરી છે.