જૂનાગઢઃ 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદી પર્વ મનાવવામાં આવશે, પરંતુ આજથી સિત્તેર વર્ષ પહેલા મળેલી આઝાદીનો જશ્ન જૂનાગઢમાં મનાવવામાં આવ્યો ન હતો. જે તે સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાન ત્રીજાનું શાસન હતું.

તે સમય જૂનાગઢની પ્રજા ગુંચવણમાં હતી કે, એ દિવસે જૂનાગઢનું નવા બનેલા દેશ પાકિસ્તાન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જેને લઇને જૂનાગઢની પ્રજામાં ભારે નિરાશાની સાથે દુઃખનો માહોલ પણ જોવા મળતો હતો. એક તરફ દેશમાં આઝાદીની ઉજવણી થઈ રહી હતી. ત્યારે બીજી તરફ જૂનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ જૂનાગઢવાસીઓને અકળાવી રહ્યું હતું.

નવાબની જોહુકમી સામે સરદાર પટેલે જૂનાગઢ આવીને જૂનાગઢની આઝાદી માટે આંદોલન શરૂ કર્યું હતું. જેની પ્રથમ સભા બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢની મુક્તિ માટે શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી.

આરઝી હકૂમતમાં જૂનાગઢના સિંહ સમાન જેની ગણતરી થતી હતી, તેવા રતુભાઇ અદાણીનો સમાવેશ કરીને જૂનાગઢની મુક્તિની લડાઈ શરૂ કરવામાં આવી હતી. આ ચળવળને અંતે નવાબ મહોબતખાન ત્રીજાને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી હતી અને અંતે વર્ષ 1947ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયું હતું. આ સાથે જ જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું હતું.