- Online Death Certificate આપવામાં જૂનાગઢ મ.ન.પા.નું તંત્ર થયુ પાસ
- અરજદારોને 72 કલાકમાં જ આપી દેવામાં આવે છે Death Certificate
- અત્યાર સુધીમાં કોઈપણ અરજદારને અગવડ પડી ન હોવાનું સામે આવ્યું
જૂનાગઢ: કોરોનાની બીજી લહેર ( second wave of corona )માં શહેરના સેંકડો નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે મૃત્યુ બાદ Death Certificate લેવા માટે લોકો ઉમટી ન પડે તે માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા 'ઈ ઓળખ પોર્ટલ' શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી જૂનાગઢના રહેવાસીઓ માટે Online Death Certificate મેળવવાની પદ્ધતિમાં મ.ન.પા. કેટલા અંશે સફળ રહી છે, તે જાણવા ETV Bharat દ્વારા Reality Check કરવામાં આવ્યું હતું. જેમાં તંત્ર પાસ થયું છે. અત્યાર સુધી કોઈ પણ અરજદારને કોઈ તકલીફ ન પડી હોવાનું સામે આવ્યું છે.
3 મહિનામાં 4805 લોકો મોતને ભેટ્યા
જૂનાગઢ મહાનગરપાલિકા ( Junagadh Municipal Corporation ) દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા તેમજ ઘરે મૃત્યુ પામતા લોકોના સ્મશાનગૃહોમાંથી ડેટા મેળવવામાં આવતો હોય છે. છેલ્લા 3 મહિનામાં આ પ્રકારે જૂનાગઢ શહેરમાં 4805 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. જાણકારો મુજબ, આ આંકડો પાછલા વર્ષો કરતા ઘણો વધારે છે.
તંત્રની Online Death Certificate માટે શું છે વ્યવસ્થા ?
કોઈપણ વ્યક્તિના અવસાનના 72 કલાક બાદ તેના મરણની નોંધ મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં ઓનલાઈન રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ તેમના સંબંધીના મોબાઈલ નંબર પર એક OTP જનરેટ થાય છે. OTP દ્વારા સ્વજનો જરૂર પડે ત્યારે Online Death Certificate જોવા કે ડાઉનલોડ કરી શકે છે. જો માહિતીમાં કોઈ ચૂક હોય તો તેનું સ્થળ પર જ નિરાકરણ લાવીને સાચી માહિતી નાંખીને અંદાજે 2-3 કલાકોમાં જ સુધારો કરી આપવામાં આવે છે. જોકે, ભૂલ થઈ હોવાના કિસ્સાઓ જવલ્લે જ જોવા મળતા હોય છે.
Death Certificate ની વિગતો દિવસમાં 2 વખત અપડેટ કરવામાં આવે છે
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં થતા મૃત્યુ તેમજ જૂનાગઢના સ્મશાનોમાં કરાતા અંતિમ સંસ્કારની તમામ વિગતો દિવસમાં 2 વખત મ.ન.પા. કચેરી ખાતે પહોંચતા કરવામાં આવે છે. કચેરી ખાતે પહોંચ્યા બાદ મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. જ્યારબાદ OTP જનરેટ થાય છે, જેના થકી મૃતકોના સંબંધીઓ Online Death Certificate મેળવી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા 72 કલાક જેટલો સમય લાગે છે.
મોતના આંકડાને લઈને મ્યુનિ. કમિશનરનો જવાબ,'હું નિવેદન આપવા અધિકૃત નથી'
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને મોતના આંકડાઓને લઈને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મોતના આંકડાને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ અને ડેથ ઓડિટ કમિટી અંતિમ નિર્ણય લે છે. જેથી આ અંગે હું કંઈ ન કહી શકું. હું આ અંગે કોઈપણ સત્તાવાર નિવેદન આપવા માટે અધિકૃત નથી.