- જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં મહિલા કોર્પોરેટરે મચાવ્યો હંગામો
- માર્ગોના નવીનીકરણથી લઈને કોર્પોરેશનના ખોટા ખર્ચાઓ અંગે રજૂઆત
- ઉગ્ર બનેલા મામલામાં ભાજપના સિનિયર કોર્પોરેટરોએ મધ્યસ્થ કરતાં મામલો પડ્યો શાંત
જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શનિવારે જનરલ બોર્ડ મળી હતી. જેમાં વિપક્ષના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલા પરસાણાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. ગત કેટલાક મહિનાથી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં માર્ગોના નવીનીકરણથી લઈને ભૂગર્ભ ગટર યોજના તેમજ પીવાના પાણીની પાઈપલાઈનનું કામ સતત 5 મહિનાથી ચાલી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનના કેટલાક માર્ગો હજુ પણ નવીનીકરણ કે રિપેરીંગની રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોંગી મહિલા કોર્પોરેટર મંજુલા પરસાણાએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે મંજુલાબેને જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ખોટા ખર્ચા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.
સમગ્ર મામલામાં ભાજપના સિનિયર કોર્પોરેટરે મધ્યસ્થી કરતાં અંતે મામલો પડ્યો શાંત
સમગ્ર મામલામાં કોર્પોરેટર મંજુલા પરસાણા જનરલ બોર્ડની વેલ પર ધસી ગયા હતા અને મેયર, કમિશ્નર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓને ખૂબ જ ઉગ્ર સ્વરે રજૂઆતો કરી હતી. આ સમગ્ર મામલાને ધ્યાને રાખીને ભાજપના સિનિયર કોર્પોરેટરોએ મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. ગીરીશ કોટેચા અને સંજય કોરડીયા જેવા સિનિયર કોર્પોરેટરોએ સમગ્ર મામલામાં નિયમ મુજબ ધ્યાન દોર્યું હતું અને મંજુલા પરસાણાને જનરલ બોર્ડની ગરીમા જાળવવા તેમજ નિયમ મુજબ કામ થઇ રહ્યું છે અને આગામી દિવસોમાં સમગ્ર કામને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ કોર્પોરેટરોને એક સાથે રાખીને હકારાત્મક દિશામાં આગળ વધીને જૂનાગઢના વિકાસના કામોને પૂર્ણ કરશે તેવી બાંહેધરી પણ આપી હતી.