- આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ
- ખરીદ પ્રક્રિયા અને ટેકાના ભાવને લઈને જૂનાગઢના ખેડૂતોમાં અસંતોષ
- સરકાર મગફળીની જેમ અન્ય કૃષિ જણસોની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી માગ
જૂનાગઢઃ આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ( Groundnut MSP ) શરૂ કરવામાં આવી છે. ખરીદ પ્રક્રિયા અને ખેડૂતોને પ્રતિ 20 કિલોએ મળી રહેલા ટેકાના ભાવોને ( MSP ) લઇને જૂનાગઢના ખેડૂતો સાથે ઈ ટીવી ભારતે વાતચીત કરી હતી. સમગ્ર ખરીદ પ્રક્રિયા અને ખેડૂતોને ટેકાના ભાવ જે સરકાર પ્રતિ 20 કિલો મગફળીના આપી રહી છે તને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ ૉની સાથે સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. દર વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે, તેમ છતાં આજદિન સુધી ખેડૂતોની સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું નથી અને સાથે સાથે પોષણક્ષમ ટેકાનો ભાવ આજ દિન સુધી સરકાર નક્કી કરવામાં નિષ્ફળ રહી છે. જેને કારણે જૂનાગઢનો ખેડૂત ( Junagadh Farmar ) ખૂબ મુશ્કેલીમાં દર વર્ષે ફસાતો જાય છે તેની પાછળ રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ છે તેવું જુનાગઢના ખેડૂતો માની રહ્યાં છે.
ટેકાના ભાવવધારાની સાથે અન્ય કૃષિ જણસોની પણ ટેકાના ભાવે ખરીદી થાય તેવી ખેડૂતોની માગ
તેઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે રાજ્ય સરકાર મગફળી, કપાસ, ઘઉં, ચણા, તુવેર જેવી કૃષિ જણસોના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તેવી રીતે જેતે વિસ્તારમાં પાકતા અન્ય કૃષિ પાકોને પણ રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરે. 1110 રૂપિયા પ્રતિ 20 કિલો મગફળીનો ટેકાનો ભાવ રાજ્ય સરકારે જાહેર કર્યો છે, પરંતુ વર્તમાન સમય અને સંજોગો અનુસાર 1,500 રૂપિયા હોવો જોઈએ તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. સરકારે જે ટેકાના ભાવે મગફળીનો ભાવ જાહેર કર્યો છે તેટલો બજારભાવ ખુલ્લી બજારમાં પણ ચાલી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોને સાચા અર્થમાં સહાય અને મદદ કરવા માગતી હોય તો ટેકાના ભાવમાં વધારો કરવો જોઇએ તેવી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ 2.65 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 155 સેન્ટર પરથી મગફળીની ખરીદ શરૂ
આ પણ વાંચોઃ રાસાયણિક ખાતરોના ભાવવધારાથી ખેડૂતો નિરાશ, જો ભાવવધારો પાછો નહીં ખેંચાય, તો આંદોલનની ચિમકી