જૂનાગઢ: વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા તેમજ માંગરોળના ધારાસભ્યએ પાક વીમાને લઈને સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં વીમા કંપનીઓ અને સરકાર જગતના તાતને ખુલ્લેઆમ છેતરી રહી છે તેમજ સમગ્ર રાજ્યમાં પાક વીમા કૌભાંડ ચાલી રહ્યુ છે તેવા તેમણે આક્ષેપ કર્યા હતા.
પાક વીમા કંપનીથી લઈને રાજ્યના કૃષિ વિભાગ અને મુખ્યપ્રધાન દ્વારા સમગ્ર મામલે યોગ્ય અને ન્યાયપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેનો રિપોર્ટ કોંગ્રેસ અને તેમના ધારાસભ્યોને આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. આ પરિષદમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમરગઢ અને દેવગઢ ગામના પાક વીમાના આંકડાઓ કિસાન કોંગ્રેસે જાહેર કરીને પ્રતિ હેક્ટર 61 હજાર રૂપિયાનો પાક વીમા કંપનીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેમજ ખેડૂત એકતા મંચ દ્વારા તાજેતર પણ માણાવદર તાલુકામાં પ્રતિ હેકટર 64 હજાર રૂપિયા જેટલી રકમ પાક વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો.
વર્ષ 2018-19માં ખરીફ ઋતુમાં મગફળીનો પાક વીમો ખેડૂતોને 60.68 ટકા જેટલો મળવાપાત્ર હતો પરંતુ સોમવાર સુધી ખેડૂતોને ઠેંગો બતાવવામાં આવ્યો છે ત્યારે સરકાર અને કૃષિ વિભાગ પાક વીમા કંપનીઓને છાવરી રહી છે તેમ જણાવી આ મુદ્દે ન્યાયપૂર્ણ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી તેમણે માગ કરી હતી.