- જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જાહેર હરાજી કરવામાં આવી બંધ
- ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ કરવામાં આવતા હરાજી બંધ રાખવાની પડી ફરજ
- ટ્રક સંચાલકોએ ભાડામાં વધારો કરવાની માગ સાથે કૃષિ જણસોની હેરફેર બંધ કરતાં હરાજી રાખવી પડી બંધ
જૂનાગઢ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શનિવારથી જાહેર હરાજી બંધ રાખવાની ફરજ યાર્ડના સત્તાધીશોને પડી છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તેની પડતર માગો તેમજ ભાડામાં વધારો કરવાની માગને લઇને પાછલા કેટલાય સમયથી વેપારીઓ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ તેમાં કોઈપણ પ્રકારનું સમાધાનકારી વલણ બહાર નહીં આવતા આજથી ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાળ પાડતા તેની અસર જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની હરાજી પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: રાજકોટના "રૂડા" ટ્રાન્સપોર્ટ નગરમાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી
જાહેર હરાજી પણ બંધ રાખવામાં આવી
શનિવારથી ટ્રક ચાલકોએ કૃષિ જણસોની હેરાફેરી નહીં કરવાનો નિર્ણય કરતાં માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી પણ બંધ રાખવામાં આવી છે. ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળ વધુ ચાલશે તો માર્કેટિંગ યાર્ડમાં કામકાજ હજુ પણ કેટલાક દિવસો સુધી બંધ રહેશે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ વચ્ચે કૃષિ જણસોની હેરાફેરી બદલ ટ્રક સંચાલકોને જે ભાડાની રકમ મળી રહી છે, તેમાં વધારો કરવાની માગ ટ્રક સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી શરૂ
હડતાળનું કોઈ અંતિમ નિરાકરણ ન આવે ત્યાં સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ
આ મુજબ સંચાલકોને બન્ને તરફનું એટલે કે આવક અને જાવક એમ બન્ને સાઈડનું ભાડું વેપારીઓ ચૂકવે તેવી માગ ટ્રક સંચાલકો કરી રહ્યા હતા. જેની સામે વેપારીઓએ વિરોધ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં જોવા મળ્યો હતો. વેપારીઓ સંચાલકોને બન્ને તરફનું ભાડું ચૂકવવા માટે આજે પણ અસહમત જોવા મળી રહ્યા છે. વેપારીની માંગો પણ તર્કસંગત છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસોનો ભરાવો ન થાય તેને ધ્યાને રાખીને યાર્ડનું તમામ કામકાજ હડતાળનું કોઈ અંતિમ નિરાકરણ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશોએ કર્યો છે.