- કિરીટ પટેલ ચેરમેન અને હરેશ ગજેરા વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા
- પ્રથમ વખત જૂનાગઢ એપીએમસીમાં ભાજપના હોદ્દેદારો સત્તાસ્થાને આસિન
- 16 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય
- જૂનાગઢ એપીએમસીને મળ્યા નવા હોદ્દેદારો
જૂનાગઢઃ સોમવારના રોજ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સોમવારના રોજ 11:00 કલાકે એપીએમસીના સભાખંડમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની એક બેઠક મળી હતી. જેમા ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
32 વર્ષ બાદ જૂનાગઢ એપીએમસીમાં નવા હોદ્દેદારો
પાછલા 32 વર્ષથી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભીખાભાઈ ગજેરા ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા હતા. પીઢ સહકારી આગેવાને 32 વર્ષ સુધી એપીએમસીનું સફર સંચાલન કર્યું હતું, ત્યારે વધતી જતી ઉંમરને કારણે આ વખતે ચૂંટણી લડવાનો ઈનકાર કરીને રાજકારણમાંથી ક્ષેત્ર સન્યાસ લીધો હતો. જેને કારણે ચૂંટણીઓમાં વિજેતા થયેલા ઉમેદવારો સોમવારના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. આમ જૂનાગઢ એપીએમસીમાં 32 વર્ષ બાદ કોઇ નવા પ્રમુખ જોવા મળી રહ્યા છે.
પ્રથમ વખત જૂનાગઢ એપીએમસીમાં ભાજપ સત્તા સ્થાને
પાછલા 32 વર્ષથી જૂનાગઢ એપીએમસીમાં ભાજપ સત્તાસ્થાને જોવા મળતું ન હતું, પરંતુ આ વખતે બદલાયેલા રાજકીય સમીકરણો અને ચૂંટણીને લઈને આપેલા નવા નિયમોને ધ્યાને રાખીને ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ખરીદ વેચાણ સંઘની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને વિજેતા જાહેર થયા હતા. જેને સોમવારના રોજ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયાનો ડિરેક્ટરોએ નિર્ણય કરતા પ્રથમ વખત ભાજપ જૂનાગઢ એપીએમસીમાં સત્તાસ્થાને જોવા મળી રહી છે.