- સાસણ સહિત અન્ય સફારી પાર્કની સુવિધામાં થશે વધારો
- વિકાસના કામોનું પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું જાત નિરીક્ષણ
- ચોમાસા સુધી વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવશે
જૂનાગઢ: આગામી દિવસોમાં સાસણ ગીર અને દેવળીયા સહીતના વિસ્તારમાં આવેલા સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. કોરોનાની બીજી વેવ પછી રાજ્યના પર્યટન અને વનવિભાગ દ્વારા વિકાસના કામોને વેગવંતા બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે (સોમવારે) પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં ચાલી રહેલા વિકાસના કામોનુ જાત નિરીક્ષણ કરવા માટે સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં પહોંચ્યા હતા. અહીં તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કામો ને લઈને જાત માહિતી એકત્ર કરી હતી. આગામી ચોમાસા બાદ સફારી પાર્ક શરૂ થવાને લઈને આવતા પ્રવાસીઓને વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓ મળી રહે તે અંગે તમામ પ્રયાસો કરવા આદેશો પણ આપ્યા હતા.
આ પણ વાંચો : વેકરિયા ડેમ પાસેથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા
વૃદ્ધ અને બાળકો માટે ખાસ સુવિધા
સાસણ ગીર સફારી પાર્કમાં દેશ અને દુનિયામાંથી તમામ વય જૂથના પ્રવાસીઓ એશિયાના સિંહને જોવા માટે આવતા હોય છે. જેને ધ્યાને રાખીને સાસણ અને દેવળિયામાં ખાસ નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. યુવાનો માટે બાળક્રીડાંગણ અને બાળકોને રમત-ગમત તેમજ સહજ રીતે સમય પસાર કરી શકે તે માટેના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. અહીં આવતા વૃદ્ધો નિરાંતનો સમય પસાર કરી શકે અને પ્રકૃતિની મજા કંઈક અલગ રીતે માણી શકે તે માટે વૃદ્ધો માટેના ખાસ પાર્કની પણ વ્યવસ્થા આગામી દિવસોમાં સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં કરવામાં આવશે. વધુમાં યુવાનોને આકર્ષિત કરી શકાય તે માટે સાસણ નજીક સનસેટ પોઇન્ટ પણ ઉભો કરવાનું આયોજન રાજ્યના પર્યટન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વાવાઝોડું ગીરના સિંહો માટે બની શકે છે આશીર્વાદ સમાન