- જૂનાગઢ જિલ્લામાં તમામ સરપંચોનું યોજાયું સંમેલન
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ રહ્યા હાજર
- સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા
- ભાજપના જ સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયુંજૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
જૂનાગઢઃ એક તરફ સરકાર જમાવડા અને ભીડ કરવાની મનાઈ ફરમાવી રહી છે તો બીજી તરફ ભાજપના જ નેતાઓ સરકારના આ નિયમોને ઘોળીને પી જાય છે. આવું જ એક દૃશ્ય જોવા મળ્યું હતું જૂનાગઢમાં. જૂનાગઢમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની અધ્યક્ષતામાં જિલ્લાના સરપંચોનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ઓડિટોરિયમની બેઠક વ્યવસ્થા 3 હજાર વ્યક્તિની છે, લોકો ગીચોગીચ બેઠેલા દેખાય છે
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા સંમેલનમાં તમામ લોકો ગીચોગીચ બેઠા હતા એટલે કે સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું જોવા મળ્યું હતું. કારણ કે, આ ઓડિટોરિયમની બેઠક વ્યવસ્થા 3 હજાર વ્યક્તિઓની છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને તમામ લોકો ગીચોગીચ બેઠા હતા.

કોરોના માટેના નિયમો ફક્ત પ્રજા માટે બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે
આ સંમેલનમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના મોટા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની જ હાજરીમાં કોરોના ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં. જાણે કોરોના માટેના તમામ નિયમો ફક્ત પ્રજા માટે બનાવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સંમેલનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢમાં યોજાયેલું આ સંમેલન સરકારની પોલ ખોલી નાખે છે. અહીં કોરોના માટેના નિયમો માટે સરકારના બે મોઢા જોવા દેખાયા હતા. રાજ્ય સરકારે અગાઉ ગાઈડલાઈન જાહેર કરી છે કે, કોઈ પણ કાર્યક્રમ યોજાય તેમાં 200થી વધારે લોકોએ ભેગા થવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું. પણ જૂનાગઢમાં યોજાયેલા આ સંમેલનમાં તમે જોઈ શકો છો કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ ન ભૂલાયું.