જૂનાગઢઃ શહેરમાં મનપાના વોર્ડ નંબર-1ના ભાજપના મહિલા કોર્પોરેટર શોભનાબેન પિઠીયા તેમના વોર્ડમાં ખખડધજ માર્ગોને લઈને રવિવારે પ્રતિક ધરણાં પર ઉતરી ગયા હતા. જેના સમર્થનમાં વોર્ડ નંબર-1ના રહીશો પણ જોડાયા હતા અને તેમના કોર્પોરેટરની માગમાં તેઓએ પણ સુર પુરાવ્યો હતો.
ભાજપના જ મહિલા કોર્પોરેટર જૂનાગઢ મનપામાં સત્તા સ્થાને રહેલા ભાજપને જે પ્રકારે ચેલેન્જ આપી રહ્યા છે, ત્યારે તેને લઈને શહેરનું રાજકારણ પણ આગામી દિવસોમાં ગરમાવાની શક્યતાઓ નકારી શકાય નહીં.
લોકડાઉન બાદ છેલ્લા એક મહિનાથી શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે, આવી સ્થિતિમાં શહેરના મોટાભાગના માર્ગો ખોદવામાં આવ્યા છે. ત્યારે હાલ ચોમાસાનો વરસાદ પણ પડી રહ્યો છે જેથી આવા સમયમાં માર્ગોનું નવીનીકરણ કરવું તે પણ ખૂબ જ મુશ્કેલ અને સમસ્યા ઊભી કરી શકે છે. ત્યારે મહિલા કોર્પોરેટરના ધરણા આગામી દિવસોમાં શહેરમાં કેવા રાજકીય રંગો વિખેરશે તે જોવું રહ્યું.