બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ શહેરમાં રાહતના દરે હેલ્મેટ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જૂનાગઢ વાસીઓએ ભાગ લઇને રાહતના દરે મળતા હેલ્મેટની ખરીદી કરી હતી. બજારભાવ કરતાં 500 રૂપિયા ઓછા દરે ટ્રસ્ટ દ્વારા લોકોની ચિંતા કરીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં પણ કેમ હજુ આગળ ધપાવવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારેલા મોટર વ્હિકલ એક્ટનો અમલ ૧લી નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. નવા મોટર વ્હિકલ એક્ટની જોગવાઈ અનુસાર કોઈ પણ વાહન ચાલક અથવા બાઈકની પાછળ બેઠેલી અન્ય વ્યક્તિ હેલ્મેટ વગર બેસે અથવા તો મુસાફરી કરે તો તેવા કિસ્સામાં પ્રથમ વખત 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઇને વાહનચાલકો હેલ્મેટ ખરીદવા માટે પડાપડી પણ કરી રહ્યા હતાં. જેને ધ્યાને લઈને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ શહેરમાં રાહત દરે હેલ્મેટ વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જ્યારથી નવા મોટર વાહન વ્હિકલ એક્ટની જોગવાઈઓ લાગુ પડી છે, ત્યારથી બિલાડીના ટોપની માફક હર જગ્યા પર હેલ્મેટનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. આવા તમામ વિતરણ કેન્દ્રો પરથી અંદાજીત રૃપિયા 800થી લઈને હજાર સુધીના મૂલ્યની હેલ્મેટ ગ્રાહકો ખરીદી રહ્યા હતા જેને ધ્યાને રાખીને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોના ખિસ્સા ખંખેરતા વેપારીઓને ભાન થાય અને લોકોને યોગ્ય કિંમતે હેલ્મેટ મળી રહે તેને લઈને બજાર કિંમત કરતા રૂપિયા 500 ઓછા દરે હેલ્મેટનું વિતરણ શરૂ કર્યું છે. જેને ખૂબ જ સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે. બજારમાં હેલ્મેટની કિંમત 800 રૂપિયા છે તેવા હેલ્મેટની કિંમત બોલબાલા ટ્રસ્ટ એ 350 રૂપિયા અને જે હેલ્મેટની કિંમત હજાર રૂપિયા છે તેવા હેલ્મેટની કિંમત ૪૫૦ રૂપિયા રાખીને લોકોના હિતાર્થે બોલબાલા ટ્રસ્ટ દ્વારા હેલ્મેટનું વિતરણ શરૂ કર્યું છે.