- મોસમના નદીમાં આવેલા પહેલા પૂરના વધામણાં કરવામાં આવ્યા
- આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો
- સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો
જૂનાગઢ- વિસાવદરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સત્તાવાર માહિતી મુજબ 347 મિમિ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે વિસાવદરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો હતો, ત્યારે વિસાવદરની પોપટડી અને મયારિયો બન્ને નદીમાં પૂર આવ્યા હતા. ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા સિઝનના નદીમાં આવેલા પહેલા પૂરના વધામણાં કરવામાં આવ્યા હતા.
વિસાવદરના ધારી બાયપાસ અંડર બ્રિજમાં પણ પાણી ભરાયા
વિસાવદરના ધારી બાયપાસ અંડર બ્રિજમાં પણ પાણી ભરાઇ ગયા હતા, ત્યારે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં અંડર બ્રિજમાં પાણી ભરાતા આર. એન. બી વિભાગ દ્વારા 4 મહિના પહેલા અંડર બ્રિજમાં પાણીના નિકાલ માટે સિમેન્ટના મોટા પાઇપ મૂકીને કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરી પાણીમાં ધોવાઇ ગઇ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પીવાનું પાણી પુરૂ પાડતો ધ્રાંફળ ડેમ ઓવર ફ્લો
વિસાવદરને પાણી પૂરું પાડતો આંબાજર ડેમમાં પણ નવા પાણીની આવક થતા વિસાવદરના શહેરીજનોમાં આંનદની લાગણી જોવા મળી હતી. તો વિસાવદરના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડતો ધ્રાંફળ ડેમ ઓવર ફ્લો થતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે વિસાવદર વહીવટી તંત્રનો સંપર્ક કરતા મામલતદાર એન. આઈ. બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે, હવામાન ખાતાની વરસાદ પડવાની આગાહી હોવાથી આગમચેતીના પગલા લઈને ગ્રામ્ય વિસ્તારના તમામ તલાટી, મંત્રીઓને એલર્ટ રહેવાની સૂચના આપી હતી, ત્યારે વિસાવદરના કોઈ પણ ગામડામાંથી નુકસાનીના સમાચાર આવ્યા નથી તેવું વિસાવદર વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.