જૂનાગઢ: આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને હવે રાજકીય માહોલ બનતો જાય છે, ત્યારે રાજકીય નેતાઓની ચહલ પહલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વધતી જોવા મળી રહી છે, જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોળી આગેવાન દેવજીભાઈ ફતેપરા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય તેમજ પાટીદાર નેતા ડોક્ટર ભરત બોઘરા જૂનાગઢ શહેરની મુલાકાતે આવ્યા હતા. જેને આગામી સામાન્ય ચૂંટણીને લઈને ખૂબ મહત્વપૂર્ણ (Koli And Patidar Leaders Visit Junagadh) માનવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : અમદાવાદ શહેરની કઈ વિધાનસભા બેઠક પર કોનો દબદબો ?
કોળી અને પાટીદાર નેતાઓની જૂનાગઢમાં મુલાકાત : આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને હવે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાતો જતો જોવા મળે છે. રાજકીય અગ્રણી નેતાઓ અને ખાસ કરીને વિવિધ જ્ઞાતિ સાથે જોડાયેલા નેતાઓ ધીમે ધીમે મુલાકાતે નીકળી રહ્યા છે. ત્યારે દિવસે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને જસદણ ના પૂર્વ ધારાસભ્ય વર્તમાન પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પાટીદાર નેતા ડોક્ટર ભરત બોઘરા જૂનાગઢની મુલાકાતે આવી ગયા જૂનાગઢ જિલ્લાની વિધાનસભા પર પાટીદાર અને કોળી મતદારો ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે અને જૂનાગઢની પાંચ વિધાનસભા સીટો પર નિર્ણાયક પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં કોળી અને પાટીદાર નેતાનું જૂનાગઢ શહેરમાં મુલાકાતે આવવું કોઈ નવા રાજકીય સમીકરણને અંજામ આપી શકે તે માટે પૂરતું છે. હાલ દેવજી ફતેપરા ભાજપમાંથી રાજીનામું આપીને ભાજપની સામે બાંયો ચડાવી રહ્યા છે. બીજી તરફ ભરત બોઘરા ભાજપના પાટીદાર નેતા મનાય છે અને જૂનાગઢ જિલ્લાના પાટીદાર મતો અંકે કરવા માટે તેમની આ ગુપચુપ મુલાકાત મહત્વ પૂર્ણ માનવામાં આવે છે.
રાજકોટમાં માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત કોળી સમાજના સંમેલન : સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ભાજપથી નારાજ છે અને તેઓ રાજકોટમાં માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત કોળી સમાજના સંમેલનનું (Conventions Of Koli Society) આયોજન કર્યું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને અગ્રણીઓ હાજરી આપશે. સંમેલનને સફળ બનાવવા માટે અને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોળી સમાજના મતોની શક્તિ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો સમજે તેના ભાગરૂપે તેમની જૂનાગઢ મુલાકાત સૂચક માનવામાં આવી છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પાટીદાર અગ્રણી ડોક્ટર ભરત બોઘરા પણ જૂનાગઢમાં હતા. ભરત બોઘરાનો મત વિસ્તાર જસદણ કોળી બહુલકી છે ત્યારે તેમની મુલાકાત પણ સૂચક માનવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : આ બેઠક પર ઓબીસી અનામત અને પાટીદાર અસંતોષ ચિત્ર બદલી શકે છે
પાટીદાર અને કોળી નેતાઓની જૂનાગઢમાં મુલાકાત સૂચક : જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી વિસાવદર અને માણાવદર પાટીદાર બહુલીક જ્યારે કેશોદ અને માંગરોળ બેઠક કોળી મતદારો બહુલીક જોવા મળે છે, ત્યારે પાટીદાર અને કોળી નેતાઓની જૂનાગઢની મુલાકાત આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે ખૂબ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડોક્ટર ભરત બોઘરાની સાથે ખોડલધામના પૂર્વ પ્રમુખ અને અગ્રણી બિલ્ડર પરેશ ગજેરા પણ સાથે જોવા મળ્યા હતા. આ તમામ રાજકીય નેતાઓને એક સમયે જૂનાગઢની મુલાકાત રાજકીય દ્રષ્ટિએ સૂચક માનવામાં આવે છે.