- કોરોના સંક્રમણની વચ્ચે શરૂ થયેલી પરીક્ષામાં તમામ દિશાનિર્દેશોનું રખાયું ધ્યાન
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1થી લઈને વર્ગ-3 સુધીની પરીક્ષાનું કરાયું આયોજન
- પ્રત્યેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા ગોઠવવામાં આવ્યાં
જૂનાગઢઃ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે રવિવારે વર્ગ-1થી લઈને વર્ગ-3 સુધીના અધિકારીઓની પસંદગી કરવા માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં સવારે 10 થી 1 દરમિયાન પ્રથમ પ્રશ્નપત્ર અને બપોરે 3થી 5 દરમિયાન બીજું પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓને આપવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાને રાખીને પરીક્ષા આપવા માટે આવતાં તમામ ઉમેદવારોને કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ તપાસ કરીને પ્રત્યેક પરીક્ષાખંડમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર ખાતે સોશિયલ ડિસ્ટસીંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ GPSCની પરીક્ષા રવિવારે રાબેતા મુજબ લેવાશે
પરીક્ષાર્થી ગેરરીતિ ન કરી શકે તે માટે ખાસ તકેદારી રખાઈ
પરીક્ષાખંડમાં બેઠેલા પ્રત્યેક પરીક્ષાર્થી પરીક્ષા સમય દરમિયાન હાજર નિરીક્ષકની સામે કોઈ ગેરરીતિ કરતા પકડાઈ તો આવી પરિસ્થિતિમાં તેમને પરીક્ષામાંથી બહાર કાઢવા સુધીની સત્તા જે તે સંચાલકને આપવામાં આવી છે. આ સિવાય કોઈ પરીક્ષાર્થી નિરીક્ષકની નજરથી બચીને પણ ગેરરીતિ ન કરી શકે તે માટે પ્રત્યેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યાં હતા. ચુસ્ત સાવચેતીની વચ્ચે ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી.