- આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની થઈ રહી છે ઉજવણી
- વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અલખને ઓટલે ધૂણી ધખાવીને શક્તિના દર્શન આપતી મહિલા સન્યાસીઓ
- મહિલાઓ અંતરીક્ષથી લઈને ટ્રક ડ્રાઈવર સુધીની ભૂમિકા ભજવી રહી છે
જૂનાગઢઃ આજે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વના પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનો દબદબો સાબિત કરીને પુરુષ સમોવડી બનતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મહિલાઓના ઉત્થાન માટે 4 વર્ષથી કાર્યરત છે આણંદની આ સંસ્થા
મહા શિવરાત્રી મેળામાં પણ શિવ અને શક્તિના દર્શન આપતી મહિલા સંન્યાસીઓ
ટ્રક ડ્રાઈવરથી લઈને અંતરિક્ષ યાત્રી સુધીની જવાબદારીઓ ભારતની આ નારી શક્તિ ગર્વભેર નિભાવી રહી છે, ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભવનાથની તળેટીમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં પણ શિવ અને શક્તિના દર્શન આપતી મહિલા સંન્યાસીઓ પણ અલખના ઓટલે ધૂણી ધખાવીને મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. એક તરફ મહિલાઓ અંતરિક્ષમાં જોવા મળે છે, તો બીજી તરફ ભવનાથની તળેટીમાં સન્યાસી મહિલાઓ ધર્મની રક્ષા અને તેના પ્રચાર માટે ધૂણી ધખાવીને બેઠેલી જોવા મળી રહી છે. જે આદિ અનાદિકાળથી ગિરનારની તળેટીમાં શિવરાત્રિના પાવન પર્વમાં ભક્તોને દર્શન આપવા માટે અચૂક આવે છે.

હિન્દુ ધર્મમાં શિવ અને શક્તિની પૂજાને અપાયું છે મહત્વ
પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ શિવની સાથે શક્તિની પૂજા કરવાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. શિવની સાથે શક્તિની પૂજાને અચૂક માનવામાં આવી છે, ત્યારે શક્તિ સ્વરૂપ મા જગદંબાની પૂજા પણ કરવામાં આવતી હોય છે. આ શક્તિના પ્રતિક રૂપે શિવરાત્રિના મેળામાં આવેલી મહિલા સન્યાસીઓ હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર અને તેના ફેલાવા માટે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરિ તળેટી જેવા પાવન સ્થળે અલખને ઓટલે ધુણી ધખાવીને શક્તિરૂપી મહિલા સન્યાસીઓ આરાધના કરતી જોવા મળી રહી છે, જેની શક્તિના રૂપે ગણના થાય છે તેવી આ મહિલા સન્યાસીઓ શક્તિની આરાધના કરતી જોવા મળી રહી છે.