જૂનાગઢ: રાષ્ટ્રીય મતદાતા દિવસે જિલ્લાના શતાયુ(100 અથવા 100 કરતાં વધુ ઉંમર ધરાવનારા) મતદારો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મતદારોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, તો મતદારો પણ જાગૃત બનીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબુત બનાવી અને દેશ લોકશાહીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ બને તે માટેના કાર્યક્રમો કરી રહ્યા છે.
જૂનાગઢમાં રહેનારા શતાયુ અને પદ્મશ્રી મતદાતા વલ્લભભાઈ મારવણીયાએ મતદાનને લઈને તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. જે દિવસથી વલ્લભભાઈને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે, તે દિવસથી આજ સુધી યોજવામાં આવેલી દરેક ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક મતદાતા નિર્ભય અને તટસ્થ રીતે મતદાન કરે તો તેમની ઇચ્છા મુજબની સરકાર અને તેમની ઇચ્છા મુજબનો લોક પ્રતિનિધિ તેમને મળી શકે છે. જેથી દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.