- જૂનાગઢનું વિજાપુર ગામ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યું
- સમગ્ર ગામના કાર્યકરો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા
- ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગ્રામલોકો અને અગ્રણીઓને કોંગ્રેસમાં આપ્યો આવકાર
જૂનાગઢઃ દિલ્હીમાં ગત 24 દિવસથી પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર દ્વારા પારિત કરવામાં આવેલા નવા કૃષિ સંશોધન કાયદાના વિરોધમાં આંદોલન પર ઊતરી ગયા છે, ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનું વિજાપુર ગામ ખુલ્લીને ખેડૂતોના સમર્થનમાં સામે આવ્યું છે. જે અંતર્ગત આજે શનિવારે ધારાસભ્ય હર્ષદ રિબડીયાની હાજરીમાં ગામના તમામ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામ લોકોને ધારાસભ્યએ આવકાર્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે સારા સમાચાર
આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં એક સમગ્ર ગામ કોંગ્રેસ પક્ષમાં સામેલ થવાથી કોંગ્રેસને ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હજુ પણ કેટલાક રાજકીય નિર્ણય જોવા મળી શકે છે. જેમાં વધુ કેટલા ગામ અને કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની જાહેરાત કરી શકે છે, પરંતુ 3,000 કરતાં વધુની વસ્તી ધરાવતું જૂનાગઢ તાલુકાનું વિજાપુર ગામ ખેડૂતોના સમર્થનમાં માટે કોંગ્રેસમાં જોડાયું છે.