- ગણપતિની પ્રતિમા ખરીદી કરનારા ભાવિકોએ કર્યું કોરોના ગાઇડલાઇનનું પાલન
- એક દિવસ પૂર્વે ગણપતિની પ્રતિમાની ખરીદીમાં જોવા મળી રહ્યો છે નિરુત્સાહ
- સરકારે ગણપતિ સ્થાપનને આપી છે મંજૂરી તેમ છતાં પ્રતિમાઓ પ્રત્યે બજારમાં ખરીદદારીનો અભાવ
જૂનાગઢ- આવતીકાલે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે. આજના દિવસે ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરી અને તેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે, ત્યારે ETV Bharat ગણેશ પ્રતિમાઓ જ્યાં વેચાઇ રહી છે ત્યાં રિયાલિટી ચેક હાથ ધર્યુ હતું. જેમાં ગણેશની પ્રતિમા ખરીદવા માટે આવતા પ્રત્યેક ભાવિકો સરકારની ગાઈડ લાઈનનુ પાલન કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ નજરે પડયું હતું. ગણપતિની પ્રતિમા ખરીદ કરવા માટે આવતા મોટાભાગના ખરીદદારો અને વેપારીઓ સરકારની સૂચનાનું પાલન કરતા હોય તેવું ચોક્કસ જણાઈ આવ્યું હતું.
ગણપતિ સ્થાપનની અપાઇ મંજૂરી, પરંતુ બજારમાં ખરીદદારીનો અભાવ
કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે ગણેશજીની પ્રતિમાનું જાહેરમાં સ્થાપન કરવાને લઈને પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે આ નિયમમાં રાજ્ય સરકારે છુટછાટ આપીને કેટલાંક મર્યાદિત ભક્તોની હાજરીમાં ગણપતિની ચાર ફૂટ સુધીની મર્યાદાની પ્રતિમાનું સ્થાપન કરવાની મંજૂરી આપી છે, પરંતુ આ વર્ષે ગણપતિની પ્રતિમા ખરીદનાર વર્ગ બજારમાં આવવો જોઈએ તે જોવા મળતો નથી. જેના કારણે બજારમાં ગણપતિની પ્રતિમાઓના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે ખરીદાર વર્ગમાં ઉત્સાહ જોવા મળતો નથી
ગયા વર્ષે તમામ પ્રતિબંધના કારણે ગણપતિની પ્રતિમા સ્થાપન કરવામાં આવી ન હતી, પરંતુ આ વખતે પ્રતિમા સ્થાપનની મંજુરી આપવામાં આવી છે, ત્યારે ખરીદાર વર્ગમાં ઉત્સાહ જોવા મળતો નથી. જેના કારણે આજના દિવસે બજારમાં મંદી વ્યાપેલી જોવા મળી રહી છે.