- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 12 જેટલા કોવિડ ટેસ્ટિંગ રથને કરાવ્યું પ્રસ્થાન
- જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે ટેસ્ટિંગ રથને લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન
- આ રથ વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોના એન્ટિજન ટેસ્ટ કરશે
જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં કોવિડ રથ દોડાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે જૂનાગઢમાં પણ વધુ 12 કોવિડ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરશે. જૂનાગઢમાં સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી ખૂબ જ ઓછા સમયમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકે તે માટે આ 12 કોવિડ રથ દોડાવવામાં આવશે.
આ પણ વાંચોઃપોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા
જૂનાગઢમાં બુધવારે 170થી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા
જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે લીલી ઝંડી બતાવી તમામ કોવિડ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અગાઉ જૂનાગઢમાં 15 જેટલા કોવિડ ટેસ્ટિંગ રથ કામ કરી રહ્યા હતા. હવે આમાં વધુ 12 જેટલા રથનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની મદદથી જૂનાગઢના સૌથી વધુ લોકોના ટેસ્ટ ઓછા સમયમાં થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સંક્રમણ એક અઠવાડિયાથી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બુધવારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં 170 કરતા વધુ કોરોના સંક્રમિત કેસ બહાર આવ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર
દરેક વિસ્તારમાં પ્રત્યેક ઘર સુધી પહોંચી વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે
આરોગ્ય વિભાગ પણ કોરોના સંક્રમણ સામે એન્ટિજન અને RT-PCR ટેસ્ટ ખૂબ જ મહત્વનો માની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હજી પણ કેટલાક લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે સ્વૈચ્છિક રીતે બહાર આવતા જોવા મળતા નથી, જેના કારણે કેટલાક શંકાસ્પદ કેસ હજી સુધી બહાર આવ્યા નથી. હવે કોરોના સંક્રમણ ફેલાવાનો ભય પણ એટલો જ જોવા મળે છે ત્યારે રવાના કરાયેલા 12 જેટલા કોવિડ ટેસ્ટિંગ રથ પ્રત્યેક વિસ્તાર અને પ્રત્યેક ઘર સુધી પહોંચીને લોકોના એન્ટિજન ટેસ્ટ વિનામૂલ્યે કરી આપશે. આ વ્યવસ્થાનો ફાયદો એ થશે કે જૂનાગઢ શહેરમાં ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે હાથ ધરાશે. ખૂબ જ ઓછા સમયમાં સંક્રમિત લોકોની સંખ્યા અને દર્દીઓ જિલ્લા વહીવટી તંત્રને સામે આવશે, જે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવી શકશે.