'ચા'નું નામ પડે એટલે તમામ લોકોના ચહેરા પર એક ઉજાસ જોવા મળે છે. જો 'ચા' કડક કે મીઠ્ઠી હોય તો કહેવું જ શું? અને એટલા માટે જ તો 'ચા'ની ચુસ્કી અને મીઠાસના કારણે 2005ની 15 ડિસેમ્બરે વર્લ્ડ સોશિયલ ફોર્મ દ્વારા 'ચા'ને આંતરરાષ્ટ્રીય સ્થળે ઓળખ અપાવવા આંતરરાષ્ટ્રીય 'ચા'ની ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના ઘર-ઘરનું પીણું એટલે 'ચા'. માનવામાં આવે છે કે, સૌરાષ્ટ્રમાં દુશ્મનને પણ 'ચા'ની સલાહ તો આજે પણ કરવામાં આવે છે. એટલામાં ઓછું હોય તેવી રીતે ઘરમાં સારો પ્રસંગ હોય કે, ખરાબ પ્રસંગ, જ્યાં સુધી 'ચા' ન આવે ત્યાં સુધી પ્રસંગમાં ચાર ચાંદ લાગતો નથી. આપણા દેશમાં તો 'ચા' સરકાર પાડી પણ શકે છે અને નવી સરકાર બનાવી પણ શકે છે. યાદ છે ને 2014ની લોકસભા ચૂંટણી? ગુજરાતનો સિંહ 'ચા'ને મુદ્દો બનાવીને જ દિલ્હીની ગાદી સુધી પહોંચ્યો હતો. દરેક ગલીઓમાં 'ચા' કી ચર્ચા એક અલગ જ મુદ્દો હતો.
'ચા'ની સાચી લિજ્જત તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માણતા હોય છે. ભલે ને રાત્રીના 2 કેમ ન વાગ્યા હોય, તેમને તો માત્ર મિત્રની 'ચા'માટેની હાકલની રાહ જોઈને બેઠા હોય. કડકથી લઈને મીઠ્ઠી મલાઈ વાળીથી લઈને કેસર ચોકલેટથી લઇને નીમ વાળી વિવિધ પ્રકારની 'ચા' આજે બજારમાં જોવા મળે છે. આવી અનેક પ્રકારની 'ચા' મળવા છતાં ચુસ્કી તો આજે પણ એવીને એવી જ છે.