- ચુંનરી મનોરથ મથુરા બાદ જૂનાગઢના દામોદર કુંડ ખાતે આયોજીત કરાઇ છે
- અધિક માસના તમામ રવિવારે વિવિધ મનોરથનું આયોજન
- મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજરી આપી
જૂનાગઢ : સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જેમાં વિવિધ મનોરથને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મનોરથ ધાર્મિક આસ્થા અને વિશેષ પૂજાથી કરવામાં આવતું હોય છે. ત્યારે ગિરિવર ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે પણ અધિક માસના તમામ રવિવારે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતિમ રવિવારે યમુનાજીના ચુનરી મનોરથનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજરી આપીને યમુનાજીના ચુનરી મનોરથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં ચુનરી મનોરથનું વિશેષ મહત્વ હોય છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે સમગ્ર ભારત વર્ષમાં ચુનરી મનોરથ બે પવિત્ર ઘાટો પર કરવામાં આવે છે. જેમાં મથુરાનો ચુંનરી મનોરથ ખૂબ જ મહત્વ ધરાવે છે. જ્યારે ગિરનારની ગોદમાં દામોદર કુંડ ખાતે રાધા દામોદર રાય મંદિરના સમીપે યમુનાજીનો ચુનરી મનોરથ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી
ધાર્મિક માન્યતા પ્રમાણે ગોપીઓના અહોભાવને કારણે ઠાકોરજી યમુના નદીમાં સંતાઈ ગયા હતા. જેને લઈને ગોપીઓ ઠાકોરજીના દર્શન માટે આકુળ વ્યાકુળ બની ગઈ હતી. ત્યારે ગોપીઓની વિનવણીને માન આપી યમુનાજી દ્વારા ઠાકોરજીને દર્શન માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠાકોરજી નદીમાંથી બહાર આવીને ગોપીઓને દર્શન આપ્યા હતા. ત્યારથી પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં ચુનરી મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગિરનાર રોપ-વેનું કામ પૂર્ણતાના આરે, જૂનાગઢ સાંસદે પ્રોજેક્ટ અંગે કરી સમીક્ષા
ઠાકોરજીના દર્શન કરાવવા માટે ગોપીઓ દ્વારા યમુનાજી પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમને ચુનરી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. ત્યારથી ચુનરી મનોરથ મનાવવામાં આવી રહ્યો છે. આવા મનોરથ સમગ્ર દેશમાં માત્ર મથુરા અને ગિરનારની ગોદમાં આવેલા રાધા દામોદર મંદિરમાં એમ બે જગ્યાએ આયોજન કરવામાં આવે છે. જેને લઈને પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં ચુનરી વિશેષ ધાર્મિક મહત્વ આજે પણ જોવા મળી રહ્યું છે.