- પર્યટનને પ્રધાન જવાહર ચાવડાએ જૂનાગઢમાં યોજી પત્રકાર પરિષદ
- કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકારનો ગ્રાઉન્ડ પ્લાન કર્યો જાહેર
- જૂનાગઢ જિલ્લાના 40 પ્રાથમિક અને 10 સામુહિક આરોગ્ય કેન્દ્રની રૂપરેખા કરી રજૂ
જૂનાગઢઃ રાજ્ય સરકારમાં પર્યટન પ્રધાન તરીકે કામ કરી રહેલા અને જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ તથા પોરબંદરના પ્રભારી તરીકે તેમને જવાબદારીઓ આપવામાં આવી છે. કોરોના સંક્રમણ સતત ભયની વચ્ચે રાજ્ય સરકારને ગામડાઓને સુરક્ષિત રાખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પાછલા કેટલાક સમયથી પ્રધાન જવાહર ચાવડા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી હતી. તેમને કેટલીક સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ માણાવદરની સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત
નિવાસસ્થાને યોજી પત્રકાર પરિષદ
પર્યટન પ્રધાન જવાહર ચાવડાની મુલાકાત બાદ આજે ગુરૂવારે જૂનાગઢમાં તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં સતત વધી રહેલા કોરોનાનું સંક્રમણ ગામડાઓ સુધી ન ફેલાય અને ઇમરજન્સીના કિસ્સામાં ગામડાઓમાં આવેલા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ મળી રહે તે માટેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજૂ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના 40 PHC અને 10 CHCમાં કરાયું આગવું આયોજન
જૂનાગઢ જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભામાં આવતા 40 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 10 જેટલાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા મેડિકલ સાધન ખરીદવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં વોકલ ફોર લોકલ અભિયાનની શરૂઆત, પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ સ્વદેશી ફટાકડાના સ્ટોલને ખુલ્લો મૂક્યો
જૂનાગઢ જિલ્લાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 1,10,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરાયો
આ મુજબ જૂનાગઢ જિલ્લાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાની ગ્રાન્ટમાંથી 20-20 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોનસ્નસ્ટેટર મશીનો માટે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદાજિત 1,10,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવશે ત્યારબાદ તમામ સાધન સામગ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેવું પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
દોઢ કરોડ રૂપિયાની સાધન સામગ્રી ખરીદવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી
આ સિવાય જૂનાગઢ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ તથા 20 બેડની ઓક્સિજન સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વંથલી અને માણાવદર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાન જવાહર ચાવડા કેશોદ અને માંગરોળના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ માળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય બાબુભાઇ વાજા અને વિસાવદર ભેંસાણ અને જૂનાગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા અંદાજિત 50 હજાર મળીને કુલ દોઢ કરોડ રૂપિયાની સાધન ખરીદી કરવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જવાહર ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો
આજ ગુરૂવારની પત્રકાર પરિષદમાં જવાહર ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી બે મહિના કરતાં ઓછા સમયમાં આ તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર સાધન સુવિધાથી સજ્જ બનતા જોવા મળશે. જેને કારણે કોરોના સંક્રમણની સારવાર લેવા માટે લોકોને ગામડાઓની બહાર દૂર સુધી જવાની સમસ્યાઓ માંથી છૂટકારો મળશે.