- સોમવારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ત્રીજા વર્ષની પરીક્ષા શરૂ
- કોરોના ગાઈડલાઈન સાથે યુનિવર્સિટીની પરીક્ષા શરૂ
- 15 કરતાં વધુ બ્લોકમાં ત્રીજા વર્ષના 300 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આજે સોમવારથીથી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સોમવારથી કોરોના સંક્રમણની તમામ તકેદારીના ચુસ્ત પાલન સાથે વાણિજ્ય વિજ્ઞાન અને વિનયન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી કોરોનાની તમામ તકેદારીનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તકેદારી સાથે વિશેષ આયોજનમાં વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે પરીક્ષાનું વિશેષ આયોજન કરાયું છે. પરીક્ષામાં બેસનારા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 2 ફૂટ કરતાં વધું અંતર રહે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ પરીક્ષા અગાઉ તમામ વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી પત્રક પણ લેવામાં આવ્યું છે. જેથી કોઈપણ સમયે વિદ્યાર્થીની તબિયત બગડે તો પરીક્ષાખંડ છોડીને જઈ શકે તેવી વિશેષ છૂટછાટ પણ આ બાહેંધરી પત્રકમાં આપવામાં આવી છે.
300 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
જૂનાગઢની સરકારી વિનિયન કૉલેજ ખાતે 300 જેટલા ત્રીજા વર્ષના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે યોગ્ય ઠર્યા હતા. આ તમામ પરીક્ષાર્થીઓને બેસાડવા માટે કૉલેજમાં 15 કરતાં વધુ પરીક્ષા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ આ વર્ગખંડોમાં ત્રીજા વર્ષની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી રહ્યા છે.