- જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયા આદેશ
- ભાદરવી અમાસના દિવસે દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ તેમજ પવિત્ર સ્નાન પર પ્રતિબંધ
- તારીખ 18 અને 19 બે દિવસ માટે રહેશે પ્રતિબંધ
જૂનાગઢઃ કોરોના સંક્રમણને ધ્યાને રાખી આગામી ભાદરવી અમાસના દિવસે ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ તેમજ પવિત્ર સ્નાન કરવા માટે તમામ ભાવિકો માટે પ્રતિબંધાત્મક આદેશો જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયા છે.
કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપને પગલે આગામી ભાદરવી અમાસના દિવસે જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે જે આગામી ૧૮ તારીખથી ૧૯ તારીખ સાંજના પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન કોઈપણ ભાવિક ભક્તોને દામોદર કુંડમાં સ્નાન કે પિતૃ તર્પણ વિધિ કરવા માટે પ્રવેશ નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આદિ-અનાદિ કાળથી દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા માટે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન પણ કરવામાં આવ્યું છે. દામોદરકુંડની દેશના સર્વશ્રેષ્ઠ ધાર્મિક સ્થાનોમાં પણ માનવામાં આવે છે ત્યારે આગામી ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો અને પિતૃ તર્પણ માટે લોકોનો ધસારો જોવા મળતો હોય છે. જે ને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ભાદરવી અમાસના દિવસે લોકોને દામોદર કુંડમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ જાહેર કર્યા છે.