જૂનાગઢ : આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને (Assembly Elections 2022) લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની (Delhi Chief Minister Arvind Kejriwal) સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની (Punjab Chief Minister Bhagwant Mann) હાજરીમાં જાહેર સભાનું (Public meeting in Junagadh by AAP) આયોજન કરાયું હતું. જેમાં સભાસ્થળ પરથી પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યુ હતુ. શિક્ષણથી લઈને રોજગારી પર તેમણે કટાક્ષ કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારની નિષ્ફળતાની હાંસી ઉડાવી હતી. વડાપ્રધાન તેમજ ગૃહ પ્રધાને લોકોની અપેક્ષાઓમાં ઉણા ઉતરવા બદલ આડે હાથ લીધા હતા.
ડિસેમ્બર મહિના બાદ ગુજરાતમાં આવશે સચ્ચે દિન :વર્ષ 2014 ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજય બાદ નરેન્દ્ર મોદીએ અચ્છે દિન આ ગયેનું સૂત્ર પરિણામો બાદ આપ્યું હ.તું ત્યારે આજે કેન્દ્ર સરકારની 7 વર્ષ કરતાં વધુના કાર્યકાળ બાદ લોકોના અચ્છે દિનનો અનુભવ થયો નહીં, પરંતુ ડિસેમ્બર મહિના બાદ ગુજરાતમાં ચૂંટણી પરિણામો બાદ કેજરીવાલના સચ્ચે દિન આવવા જઈ રહ્યા છે તેવો ભરોસો ભગવંત માને વ્યક્ત કર્યો હતો. વધુમાં ખરાબ રોડ પર કટાક્ષ કરતાં ભગવંત માને જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં રોડમાં ખાડા જોયા છે, પરંતુ આજે જૂનાગઢમાં ખાડામાં રોડ જોયો છે અમારી સરકાર આ પરિસ્થિતિને બદલવા માંગે છે.
અમિત શાહ પર ભગવત માનનો કટાક્ષ : જાહેર સભાના મંચ પરથી પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ગૃહપ્રધાન અમિત શાહને પણ આડેહાથ લીધા હતા. થોડા સમય પૂર્વે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કોઈ શાળાની મુલાકાત લેવામાં આવી હતી જેના પર કટાક્ષ કરતાં ભગવંત માને કહ્યું હતું કે, અમિત શાહ ને હવે શિક્ષણ યાદ આવ્યું છે. આ આમ આદમી પાર્ટીની રણનીતિ છે જેને કારણે ગૃહ પ્રધાન અમિત શાહ ને હવે શિક્ષણ પણ યાદ કરવું પડે છે. વધુમાં રાજ્યની ભાજપ સરકાર પર ભગવત માને કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વર્ષમાં એકવાર ઝાડ પણ નવા પર્ણ ધારણ કરે છે રાજ્યમાં 27 વર્ષથી એક પક્ષનું શાસન છે જેને બદલી નાખવાની જવાબદારી રાજ્યના મતદારોની છે.