- ગૃહરક્ષક દળમાં કામ કરતા યુવક અને યુવતીનો મામલો પોલીસ ચોપડે
- મૈત્રી કરારથી રહેતા યુવક સામે યુવતીએ કરી જાતીય દુષ્કર્મની ફરિયાદ
- પોલીસ સ્ટેશન આવેલી યુવતી અગાસી પરથી નીચે પડતા થઈ ઈજાગ્રસ્ત
જૂનાગઢઃ જિલ્લાના ભેસાણમાં ગૃહરક્ષક દળમાં કામ કરતા યુવક અને યુવતી પાછલા કેટલાક સમયથી મૈત્રી કરાર કરીને એક સાથે રહેતા હતા. થોડા સમય અગાઉ યુવતીએ સાથે રહેતા યુવાન સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ભેસાણ પોલીસે યુવતીને તપાસ માટે પોલીસ મથકમાં બોલાવી હતી. જ્યાં તે અચાનક પોલીસ સ્ટેશનની અગાસી પરથી નીચે પડી જતાં તેને પ્રથમ સારવાર માટે ભેંસાણ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાંથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મોકલીને વધુ સારવાર આપવામાં આવી રહી છે. જાતીય દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી યુવતી અચાનક પોલીસ મથકની અગાસી પરથી નીચે પટકાતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
ઈજાગ્રસ્ત યુવતીએ આત્મહત્યા કર્યાની કોશિશ કર્યાની પરીવારની કેફિયત
જાતીય દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતીને ભેંસાણ પોલીસ મથકમાં ફરિયાદ લઇને તપાસ માટે પોલીસે બોલાવી હતી ત્યારે પોલીસના કહેવા મુજબ યુવતી ફોનમાં વાત કરતી કરતી અચાનક અગાસી પરથી નીચે પટકાઈ હતી. જ્યારે યુવતીના પરિવારજનો યુવતીએ પોલીસ મથકની અગાસી પરથી કૂદી આત્મહત્યા કરવાની કોશિશ કર્યાનું નિવેદન આપતાં સમગ્ર મામલાને લઈને વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય છે અને આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ જાતીય દુષ્કર્મ અને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, કે નહીં તેને લઈને કોઈ ચોક્કસ નિર્ણય પણ આવી શકે. હાલ સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે પણ તપાસ હાથ ધરી રહી છે.