ખેલ મહાકુંભ 2019 અંતર્ગત જૂનાગઢમાં વિવિધ રમત-ગમતની કેટેગરીઓની સ્પર્ધાઓનું આયોજન થઇ રહ્યું છે. જેમાં ગરૂવારે ભવનાથ ખાતે સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી કન્યા અને કુમારોએ ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિવિધ રમતો પ્રત્યે જાગૃતતા આવી છે અને છેવાડાના ગામડાઓમાં છુપાઈને પડેલી પ્રતિભાઓને ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભ વિશેષ મહત્વ રાખે છે.
આ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આવી સ્પર્ધાઓ થકી રાજ્ય અને દેશને સારા અને ઉચ્ચ કોટિના કહી શકાય તેવા ખેલાડીઓ પણ મળ્યા છે. જે પૈકીનું એક નામ સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના નાના એવા ગામમાંથી આવીને રમતગમત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ભારતની સાથે તેનું નામ ગુંજતુ કર્યું છે. આ સરિતા ગાયકવાડ પણ ખેલ મહાકુંભમાંથી ઉભરેલી એક પ્રતિભા છે. જે આજે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ વિશ્વના દેશોમાં કરીને રમતગમતની સાથે ભારત અને ગુજરાતનું નામ પણ રોશન કરી રહી છે.
શાળા કક્ષાએ થતા ખેલ મહાકુંભ આજે જરૂરી અને અનિવાર્ય બની રહ્યા છે. છેવાડાના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓ તેમની ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે આ પ્રકારનું પ્લેટફોર્મ આજે આધુનિક સમયમાં જરૂરી બની ગયું છે અને આ જ પ્લેટફોર્મની મદદથી છેવાડાના ગામડાઓમાં છૂપાયેલી ઉચ્ચ કોટિની પ્રતિભાઓ ધીમે ધીમે સમગ્ર વિશ્વ સમક્ષ આવી રહી છે. જેને આ ખેલ મહાકુંભની એક સફળતા ગણી શકાય.